ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠક જાળવી રાખવા ભાજપે ૧૧ સભ્યની લોકસભા ચૂંટણી સમિતિ રચી છે. વિવિધ અટકળો વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને ભાજપ હાઈકમાન્ડે લોકસભા ચૂંટણી સમિતિમાં મહત્ત્વની જવાબદારી સોંપી છે.
પ્રચાર-પ્રસાર, જનસંપર્ક અભિયાન, બુથ લેવલનું માઈક્રોપ્લાનિંગ તેમજ ઉમેદવારોની પસંદગીમાં હવે નીતિન પટેલની મહત્ત્વની ભૂમિકા રહેશે. મુખ્ય પ્રધાન, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા હોદ્દાની રુએ સમિતિમાં સહકાર આપશે.
શંકર ચૌધરીનો પણ સમાવેશ
વિધાનસભાની ચૂંટણીમાં હારેલા શંકર ચૌધરી અને હીરા સોલંકીને લોકસભા ચૂંટણી સમિતિમાં સ્થાન આપી મહત્ત્વની જવાબદારી સોંપાઈ છે. જોકે, આ કમિટીમાં સ્થાન મળવાને કારણે આ બન્ને નેતાઓની લોકસભા ટિકિટનો અત્યારથી જ છેદ ઊડી ગયો હોવાનું પણ ચર્ચામાં છે.
ભાજપની ૧૧ સભ્યની લોકસભા ચૂંટણી
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન ચુડાસમા, કૌશિક પટેલ, ગણપત વસાવા, સંગઠનમાંથી આઇ. કે. જાડેજા, ભરતસિંહ પરમાર, ભાર્ગવ ભટ્ટ, શંકર ચૌધરી અને હીરા સોલંકીને સ્થાન અપાયું છે.


