આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું: રૂપાણી

Tuesday 16th February 2021 15:32 EST
 

વડોદરાઃ મુખ્ય પ્રધાનની તબિયત લથડી એ પહેલાં તરસાલી બસ સ્ટેન્ડ પાસેના સ્વામીનારાયણ મંદિરના પ્રાંગણમાં ચાર વોર્ડના ભાજપના ઉમેદવારોના પ્રચારમાં તેમણે રવિવારે મોડી સાંજે ૭ કલાકે સભા ગજવી હતી. તેમણે કહ્યું હતું કે, અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં મેટ્રોનું કામ ચાલુ થઈ રહ્યું છે અને હવે વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં પણ મેટ્રો ચાલુ કરવાના છીએ.
ગત વિધાનસભામાં મારી સરકારે કડક કાયદા બનાવ્યા છે. ગુંડાઓ વિરુદ્ધ ગુક્સીટોક કાયદો તેમજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ એમ લાવ્યા છીએ. આવનારા દિવસોમાં વિધાનસભામાં લવ-જેહાદનો કાયદો લાવીશું. લવ-જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે તે પ્રવૃત્તિ અમે ચલાવવાના નથી.
વિજય રૂપાણીએ તરસાલીની સભાને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતનો સૌથી મોટો ઓવરબ્રિજ રૂ. ૨૫૦ કરોડના ખર્ચે વડોદરામાં બની રહ્યો છે. હું ખાતરી આપવા આવ્યો છું કે આ વિસ્તારના પીવાના પાણીના પ્રશ્નનો અમે જલ્દીથી ઉકેલી લાવીશું. એ અમારી જવાબદારી છે. આવનારા દિવસોમાં વિશ્વામિત્રીના પ્રશ્નો પણ અમે ઉકેલીશું. દર વર્ષે પૂરમાં વડોદરા ફસાય છે એમાંથી બહાર કાઢીશું. આ ચૂંટણીમાં ભાજપને વિજય બનાવી આવનારી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીનો પાયો આપણે નાંખવાનો છે. કોંગ્રેસ ડૂબતી નાવ છે. ભાજપ પાસે મોદી જેવું નેતૃત્વ છે ત્યારે આપણે સૌ આગળ વધીને આ ભારત માતા જગત જનની બને, આત્મનિર્ભર ભારત બને તે માટે કમળનું બટન દબાવીને ભાજપને વિજયી બનાવજો. ૨૧મી તારીખ તમારી અને એ પછી પાંચ વર્ષ અમારા, વિકાસને આગળ વધારીશું. ભવિષ્યની પેઢીનું ભવિષ્ય મજબૂત બનાવીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter