અમદાવાદઃ શહેરની મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય - સ્વામિનારાયણ ગાદીના પાંચમા વારસદાર પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી ૧૬ જુલાઇ - ગુરુવારે વહેલી સવારે બ્રહ્મલીન થયા છે. ૭૮ વર્ષના સ્વામીજી કોરોના બીમારીની સારવાર માટે છેલ્લા ૧૯ દિવસથી શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અનુયાયીઓમાં પી.પી. સ્વામીના નામે જાણીતા આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીના દેહત્યાગના સમાચાર ફેલાતાં જ હરિભક્તોનું શોક અને ગ્લાનિનું મોજું ફરી વળ્યું હતું.
ઘોડાસર વિસ્તારમાં આવેલા સંસ્થાના વડા મથક મુક્તજીવન સ્વામીબાપા - સ્મૃતિ મંદિરના કંપાઉન્ડમાં પીપીઇ (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ) કિટમાં સજ્જ વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. અનુગામી આચાર્ય સંત જિતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામીએ તેમને મુખાગ્નિ આપ્યો હતો. સત્સંગી-હરિભક્તોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અંતિમ દર્શન કર્યા હતા.
જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં કોરોના સંક્રમણને કારણે આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું હતું. બે વખત તેમને પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી હતી. જોકે તેમજ ફેફસામાં ઇન્ફેક્શન વધી જતાં છેલ્લા ૧૦ દિવસથી વેન્ટિલેટર પર હતા.
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સાધુ ભગવતપ્રિયદાસ સ્વામીએ જણાવ્યું કે, ‘સદ્ધર્મજ્યોતિર્ધર આચાર્ય સ્વામીજી મહારાજે સનાતન ધર્મ પ્રતિપાદિત કરીને સ્નેહ-સંપ-સહકારનો ધ્વજ દેશ-વિદેશમાં લહેરાવ્યો હતો.’
ઉલ્લેખનીય છે કે, વીતેલા સપ્તાહે જ સદ્ગુરુ શાસ્ત્રી જિતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામીની સ્વામિનારાયણ ગાદીના અનુગામી આધ્યાત્મિક વારસદાર-આચાર્ય પુરુષોત્તમપ્રિય સ્વામી મહારાજના અનુગામી વારસદાર તરીકે નિમણૂક કરી હતી.
ધર્મ-સંસ્કૃતિનો પ્રસાર
પૂજ્ય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીએ સત્સંગ પ્રચાર-ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે સડક માર્ગે ૧૭,૦૭,૧૬૨ કિ.મી., રેલવે માર્ગે ૬,૪૬,૬૦૯ કિ.મી., હવાઇ માર્ગે ૨૫,૦૮,૩૫૪ કિ.મી.નું સત્સંગ વિચરણ કર્યું હતું.
તેમણે કુલ ૧૦૧ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સંસ્કાર યાત્રા કરી હતી. ૧,૩૫,૭૫૨ ધાર્મિક સ્થળોએ પધરામણી અને ૭૮,૦૦૦થી વધુ સ્થળોએ મહાપૂજા અને ૨,૨૯,૦૭૮ કથા પારાયણો કર્યા હતા.
અનેક સંતો - મહંતો - પ્રકાંડ વિદ્વાનોએ સદ્ધર્મરત્નાકર, સદ્ધર્મજ્યોતિર્ધર, સનાતન ધર્મસંરક્ષક, વેદ રત્ન, વર્લ્ડ પીસ એમ્બેસેડર જેવી પદવીઓથી નવાજ્યા છે.
૧૧ દિવસ મંદિરોમાં ઉત્સવ નહીં
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અપીલ કરવામાં આવી છે કે પરમ પૂજ્ય આચાર્યશ્રી બ્રહ્મલીન થયાના ૧૧ દિવસ સુધી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મંદિરોમાં ઝાલર-નગારા વગાડવા નહીં, ઉત્સવ કરવો નહીં, અત્યારના દેશકાળના કારણે દરેક હરિભક્તોએ પોતાના ગૃહ મંદિરે પ્રાર્થના-કથા-કીર્તન-ધ્યાન તથા ધૂન કરવી-પોતાની શક્તિ અનુસાર વિશેષ નિયમો લેવા.