અમદાવાદ: કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા અડાલજ ખાતે યોજાયેલા આચાર્ય વંદના મહોત્સવના સમાપન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મહોત્સવની વિશેષતા એ હતી કે 1230 હરિભક્તોએ અંગદાન માટે શપથ લીધા હતા.
મહોત્સવને સંબોધતા મુખ્યમંત્રી પટેલે કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળમાં જ સેવા માટેનો ભાવ રહેલો છે. તેમણે કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય આપણી સંસ્કૃતિનું જતન કરે છે. છોડમાં રણછોડનાં દર્શન કરનારા આપણે સૌ આગળ વધ્યા પછી પાછા ન પડીએ તે માટે સ્વામિનારાયણ સંપ્રદાય અને સંતો જીવન જીવવામાં આધ્યાત્મિક મદદ કરે છે. કાલુપુર સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદની 50મી જન્મજયંતી નિમિત્તે 5 દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સામાજિક એકતા, વ્યસનમુક્તિ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન, પર્યાવરણ બચાવો, મેડિકલ કેમ્પ જેવા કાર્યક્રમો હતા. મેડિકલ કેમ્પમાં હરિભક્તોએ 840 યુનિટ રકતદાન કર્યું હતું.


