આજે ગુજરાતની ૨૬ બેઠકો પર મતદાનઃ ઉમેદવારોમાં ૫૮ દાગી, ૭૫ કરોડપતિ

Monday 22nd April 2019 09:35 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો પરથી ૩૭૧ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આ ઉમેદવારોની એફિડેવિટના આધારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક (એડીઆર) દ્વારા કરાયેલા સર્વેમાં બહાર આવેલી વિગતો પ્રમાણે રાજ્યમાં ચૂંટણી લડતા ઉમેદવારો પૈકી ૭૫ ઉમેદવારો કરોડપતિ છે. જેમાં સૌથી વધુ ૬૯ કરોડ રૂપિયાની સંપત્તિ મહેસાણાના કોંગ્રેસના ઉમેદવારે દર્શાવી છે. રાજ્યના ઉમેદવારો પૈકી ૫૮ જેટલા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ હોવાનું પણ તારણમાં બહાર આવ્યું છે. મતલબ કે, કુલ ઉમેદવારના ૧૬ ટકા કલંકિત છે. આમાંથી ૩૪ એટલે કે ૯ ટકા સામે ગંભીર પ્રકારના ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. એડીઆર દ્વારા રાજ્યની ૨૬ લોકસભા બેઠકના ૩૭૧ ઉમેદવારો પૈકી ૩૭૦ ઉમેદવારોની એફિડેવિટની ચકાસણી કરાતાં તેમાં ચોંકાવનારા તારણો નીકળ્યા છે.
પોરબંદરના ભાજપના ઉમેદવાર રમેશ ધડુકે સૌથી વધુ રૂ. ૨૧.૭૯ કરોડનું દેવું દર્શાવ્યું છે, જ્યારે સૌથી વધુ આવકમાં કોંગ્રેસના ઉમેદવાર એ. જે. પટેલ ટોચના સ્થાને છે. જ્યારે ભાજપના નવસારી બેઠકના ઉમેદવાર ચંદ્રકાંત પાટીલ રૂ. ૪૪ કરોડ સાથે બીજા સ્થાને છે. રાજ્યના ટોપ-૧૦ કરોડપતિઓની યાદીમાં ભાજપના ૫, કોંગ્રેસના ૪ અને એક અપક્ષ ઉમેદવાર છે.
રાજ્યના ૭૫ ઉમેદવારો કરોડપતિ છે તો બીજી તરફ એક ઉમેદવાર એવો પણ છે કે જેની પાસે એક પણ રૂપિયાની સંપત્તિ નથી. દાહોદ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર સમસુભાઈ દેવધાએ એફિડેવિટમાં પોતાની પાસે ‘શૂન્ય’ મિલકત હોવાનું દર્શાવ્યું છે. જ્યારે મિલકત ધરાવતા ઉમેદવારોમાં સૌથી ઓછી મિલકત ધરાવતા ઉમેદવાર તરીકે અમદાવાદ-પશ્ચિમ બેઠકના આંબેડકર પાર્ટી ઓફ ઈન્ડિયાના ઉમેદવાર વેડુભાઈ સિરાસત છે. તેમણે પોતાની સંપત્તિ રૂ. ૩૩૦૦ની જ દર્શાવી છે.

બે બેઠકો પર છ કરોડપતિ

રાજ્યની કુલ ૨૬ બેઠકો પૈકી બે બેઠકો પર ૬ કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં અમદાવાદ-પૂર્વ અને સુરત બેઠકનો સમાવેશ થાય છે. આ પછી ગાંધીનગર બેઠક પરથી પાંચ કરોડપતિ ઉમેદવારો છે. તો જામનગર, અમદાવાદ-પશ્ચિમ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને વડોદરા બેઠક પર ૪ કરોડપતિ ઉમેદવારો છે. નવસારી, રાજકોટ, આણંદ, બનાસકાંઠા, ભરુચ બેઠક પરથી ૩ કરોડપતિ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે મહેસાણા, પોરબંદર, ખેડા, ભાવનગર, બારડોલી, દાહોદ, પાટણ, અમરેલી, પંચમહાલ અને સાબરકાંઠા બેઠક પરથી ૨-૨ કરોડપતિ ઉમેદવારો મેદાનમાં છે.

૧૩ બેઠકો પર ત્રણ કે તેથી વધુ ક્રિમિનલ ઉમેદવાર

રાજ્યની ૨૬ લોકસભા બેઠકો પૈકી ૧૩ બેઠકો એવી છે કે જ્યાં ૩ કે તેથી વધુ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલાં છે. આમ રાજ્યની અડધોઅડધ બેઠકો પર દાગી ઉમેદવારોનો દબદબો જોવા મળે છે. જેમાં ગાંધીનગર બેઠક પર ૪, અમદાવાદ-પૂર્વ ૪, અમરેલી ૪, રાજકોટ ૪, નવસારી ૪, બનાસકાંઠા ૪, જામનગર ૪, જૂનાગઢ ૩, સુરેન્દ્રનગર ૩, પોરબંદર ૩, પંચમહાલ ૩, ભરૂચ ૩ અને ભાવનગર બેઠક પરથી ૩ ઉમેદવારો એવા છે કે જેમની સામે ક્રિમિનલ કેસ દાખલ થયેલા છે.

ટોપ-૧૦ કરોડપતિ ઉમેદવારો
એ. જે. પટેલ - મહેસાણા - કોંગ્રેસ - રૂ. ૬૯ કરોડ
ચંદ્રકાંત પાટીલ - નવસારી - ભાજપ - રૂ. ૪૪ કરોડ
શારદા પટેલ - મહેસાણા - ભાજપ - રૂ. ૪૪ કરોડ
પૂનમ માડમ - જામનગર - ભાજપ - રૂ. ૪૨ કરોડ
અમિત શાહ - ગાંધીનગર - ભાજપ - રૂ. ૪૦ કરોડ
રમેશ ધડૂક - પોરબંદર - ભાજપ - રૂ. ૩૫ કરોડ
મૂળુ કંડોરિયા - જામનગર - કોંગ્રેસ - રૂ. ૨૯ કરોડ
રાજુ પરમાર - અમદાવાદ - કોંગ્રેસ - રૂ. ૨૬ કરોડ
ખોડા દેસાઈ - ગાંધીનગર - અપક્ષ - રૂ. ૧૮ કરોડ
સી. જે. ચાવડા - ગાંધીનગર - કોંગ્રેસ - રૂ. ૧૨ કરોડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter