અમદાવાદઃ દહેજ અને ભરૂચના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોડી સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ઉપરાંત ભાજપના પ્રધાન મંડળના સભ્યો અને ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો એરપોર્ટ પર પહોંચ્યા. જ્યાં મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રમુખના વકતવ્ય બાદ વડા પ્રધાનનું વકતવ્ય આવતા એરપોર્ટ હર્ષોલ્લાસથી ગાજી ઉઠ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર વડા પ્રધાને ગુજરાતીમાં સંબોધન કર્યું હતું. ‘આજનો આ પાંચમો કાર્યક્રમ છે, અને હજી બીજા બે બાકી છે’ કહીને તેમણે ઉપસ્થિત લોકોનો આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, દેશમાં એક આત્મવિશ્વાસનું અદભૂત વાતાવરણ રચાયું છે, પ્રગતિની બાબતમાં, વિકાસની બાબતમાં, નવી ઉર્જા, નવો આત્મવિશ્વાસ દેશના ખૂણે ખૂણે અનુભવાઈ રહ્યો છે. ગુજરાતે વાદવિવાદથી પર રહીને સરકારનું સ્થાન વિકાસ પર કેન્દ્રીત રાખ્યું છે. કેશુભાઈના નેતૃત્વ બાદ આનંદીબહેન અને હવે વિજયભાઈના નેતૃત્વમાં ગુજરાતની અનોખી છાપ ઉભી થઈ છે. આખા દેશમાં આ બાબતે કેડી કંડારી છે. જેને પગલે દેશના વિવિધ રાજ્યો વચ્ચે તુલના થઈ છે. બધાને લાગવા લાગ્યું કે અમે પણ વિકાસ કરીએ.
વડા પ્રધાને કહ્યું કે, વિકાસની દિશામાં વાઈબ્રન્ટ ગુજરાતની પરંપરા છે. શરૂઆતમાં લોકો વાતો કરતા હતા. પણ આજે ૭૦ ટકા રાજ્યો ગુજરાતની જેમ જ મૂડીરોકાણ માટે નેશનલ-ઈન્ટરનેશનલ કક્ષાના સમારોહ કરી રહ્યા છે. ગુજરાતે જે ૨૦૦૩માં શરૂ કર્યું તે, ૭૦ ટકા રાજ્યો એક પછી એક પ્રયોગો કરી રહ્યાં છે. દરેક રાજ્ય પોતાની ક્ષમતાનું બ્રાન્ડીંગ કરી રહ્યું છે. વધુ મૂડીરોકાણ પોતાને ત્યા આવે તેવો પ્રયાસ કરે છે. પોતાનો બિઝનેસ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદી મંગળવારે રાત્રિરોકાણ રાજભવનમાં કરશે. બીજા દિવસે તેઓ સોમનાથ મંદિરે જશે, જ્યાં પૂજનઅર્ચન કર્યા બાદ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે. ત્યાંથી તેઓ ગાંધીનગર પરત ફરશે. ગાંધીનગરમાં દેશભરના મહિલા સરપંચોનું અધિવેશન યોજાયું છે.


