આઝાદી કા અમૃત મહોત્સવઃ ૧૨ માર્ચે સાબરમતી આશ્રમથી વડા પ્રધાનના હસ્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ થશે

Wednesday 10th March 2021 04:16 EST
 
 

અમદાવાદઃ ભારતની સ્વતંત્રતા-આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવાના અવસર આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો ૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવશે.
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગુજરાતથી આ ઉજવણીના પ્રારંભના ઐતિહાસિક અવસરને રાષ્ટ્રચેતના સભર ઉત્સવ બનાવવાના આયોજનને ઓપ આપવા રાજ્યકક્ષાની સમિતિની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજી હતી.
મુખ્ય પ્રધાને આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં સ્પષ્ટપણે નિર્ધાર વ્યકત કર્યો કે, સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા નિભાવનારું ગુજરાત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની પણ ગરિમાસભર ઉજવણી કરવા કૃતસંકલ્પ છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી તા.૧રમી માર્ચે ૧૯૩૦ના યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઊજાગર કરતાં ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મી. દાંડીયાત્રાથી આ ઉજવણીનો વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી આરંભ કરાવવાના છે. આ ઉજવણીના આરંભ પ્રસંગે દેશભરમાં અને ગુજરાતમાં એક સાથે ૭પ સ્થળોએ રાષ્ટ્રપ્રેમ-જનચેતના સભર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
તદઅનુસાર ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા સ્થળો પૈકી બારડોલી, દાંડી, પોરબંદર, રાજકોટ, વડોદરા અને માંડવીમાં મોટા કાર્યક્રમો તથા જિલ્લા મથકો સહિત અન્ય સ્થળોએ મળી ૭પ કાર્યક્રમો એકસાથે યોજવામાં આવશે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, આઝાદી મેળવવા મરીફિટનારા દેશ પ્રેમીઓનો મંત્ર ‘ડાઇ ફોર ધન નેશન’ હતો, હવે આપણે ‘લીવ ફોર ધ નેશન’ના ધ્યેય સાથે વર્તમાન અને ભાવિ પેઢીમાં રાષ્ટ્રપ્રેમ ભાવના વધુ બળવત્તર બનાવવાની છે.
મુખ્ય પ્રધાને જણાવ્યું કે, આ ઉજવણીને ત્રણ મુખ્ય વિષયવસ્તુ સાથે ઉત્સવરૂપે મનાવવાની થીમને અનુરૂપ ગુજરાતમાં પણ બહુઆયામી આયોજન થશે. તદઅનુસાર, ૧૮પ૭ના સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડીને આઝાદી મેળવવા સુધીના સંગ્રામની ગાથા નવી પેઢી સમક્ષ ઊજાગર કરવામાં આવશે. એટલું જ નહિ, દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરો સાથોસાથ રાષ્ટ્રની પ્રગતિ-વિકાસમાં યોગદાન આપનારા વ્યક્તિત્વોના વારસાને તેમની સ્મૃતિ સાથે આગળ ધપાવવામાં આવશે.
મુખ્ય પ્રધાનના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રધાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, ઇશ્વરસિંહ પટેલ તેમજ સમિતિના અગ્રગણ્ય સભ્યો વિષ્ણુભાઇ પંડયા, કાર્તિકેય સારાભાઇ, રાષ્ટ્રીય શાળા રાજકોટના ટ્રસ્ટીઓ સહિત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો, વરિષ્ઠ સચિવો જોડાયા હતા.
મુખ્ય પ્રધાને આ સમગ્ર ઉજવણીમાં ૧રમી માર્ચથી પ એપ્રિલ દરમિયાન યોજાનારી દાંડીયાત્રાના માર્ગમાં આવતા સ્થળો પૈકી ર૧ જગ્યાએ રાત્રિ મુકામ આ પદયાત્રાના યાત્રિકો કરશે તેની વિગતો આપી હતી. આ રાત્રિ રોકાણના સ્થળોએ રાષ્ટ્રચેતના સભર સાંસ્કૃતિક કાર્યક્રમો ભવ્ય સ્વાગત વગેરેના આયોજનની ચર્ચા કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter