આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ૨૧ ફોર્મ પરત ખેંચાયાઃ ૮૧ ઉમેદવારો ચૂંટણી જંગમાં

Tuesday 20th October 2020 10:35 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યની આઠ બેઠકો ગઢડા, અબડાસા, મોરબી, લીમડી, ધારી, કરજણ, કપરાડા અને ડાંગ માટે જાહેર થયેલી પેટા ચૂંટણીમાં સોમવારે સોમવારે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. આ દિવસે ૨૧ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા કુલ ૮૧ ઉમેદવારો મેદાનમાં રહ્યાં હતાં. જેમાં સૌથી ઓછા માત્ર ૪ ઉમેદવારો કપરાડા બેઠક પર અને સૌથી વધુ ૧૪ ઉમેદવારો લીંબડી બેઠક પર રહેતાં બંને બેઠકો પર ચૂંટણીજંગ રસાકસીથી ભરપૂર રહેવાની સંભાવના છે. લીંબડીમાં એક પણ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું નથી. લીંબડીમાં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ચેતન ખાચર ઉપરાંત અખિલ ભારતીય રાજ્ય સભાના ઉમેદવાર અને બીજાં ૧૧ અપક્ષોએ ચૂંટણીના જંગમાં ઝુકાવ્યું છે.

અનુસૂચિત જાતિની અનામત બેઠક ગઢડામાં એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતાં ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો અનુક્રમે આત્મારામ પરમાર તથા મોહનભાઈ સોલંકી ઉપરાંત રાષ્ટ્રીય જનચેતના પાર્ટીના એક ઉમેદવાર અને બીજાં ૯ અપક્ષો નસીબ અજમાવી રહ્યાં છે.

અનુસૂચિત જનજાતિની અનામત બેઠક ડાંગમાં એક પણ ઉમેદવારે ફોર્મ પાછું નહીં ખેંચતા ભાજપ અને કોંગ્રેસના અનુક્રમે વિજય પટેલ તથા સૂર્યકાંત ગાવિત અને બીજાં ૬ અપક્ષો મેદાનમાં છે.

આદિજાતિની અન્ય એક અનામત બેઠક કપરાડામાં પણ એક પણ ઉમેદવારે ફોર્મ પાછું નહીં ખેંચતા અહીં ભાજપના જીતુ ચૌધરી અને કોંગ્રેસના બાબુભાઈ વરઠા વચ્ચે સીધો મુકાબલો થશે. જોકે બે અપક્ષો અહીં ઊભા રહ્યાં છે. મોરબીમાં આઠ અપક્ષોએ દાવેદારી પરત ખેંચી છે એટલે અહીં ભાજપના બ્રિજેશ મેરજા, કોંગ્રેસના જયંતીલાલ પટેલ અને એક સ્થાનિક પક્ષના ઉમેદવાર ઉપરાંત બીજાં ૯ અપક્ષો ચૂંટણીજંગમાં રહ્યાં છે.

અમરેલીની ધારી બેઠક પર એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા અહીં ભાજપના જે. વી. કાકડિયા, કોંગ્રેસના સુરેશ કોટડિયા ઉપરાંત સ્થાનિક પક્ષો સહિત બીજાં ૯ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે.

કચ્છની અબડાસા સીટ ઉપર ૯ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસના ડો. શાંતિલાલ સેંધાણી, ત્રણ સ્થાનિક પાર્ટીના અને બીજાં ૫ અપક્ષો ચૂંટણીજંગમાં રહ્યાં છે. મધ્ય ગુજરાતની કરજણ બેઠક પર બે ઉમેદવારોએ દાવેદારી પડતી મૂકતાં ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ ૯ ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે.

લીંબડીમાં કોળી સમાજની બહુમતિ છતાં ક્ષત્રિય ઉમેદવારોને ટિકિટ

લીંબડી વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ચેતન ખાચર પર પસંદગી ઉતારી છે. ભાજપે પણ ક્ષત્રિય ઉમેદવાર કિરીટસિંહ રાણાને મેદાનમાં ઉતાર્યા છે. કિરીટસિંહ ભાજપના જૂના જોગી છે અને આ બેઠક પરથી અગાઉ ચૂંટણી જીતી ચૂક્યા છે. લીંબડીમાં કોળી સમાજની બહુમતિ છે એટલે પહેલાં એવું મનાતું હતું કે, બંને પક્ષ કોળી મતદારને રિઝવવા કોળી ઉમેદવારને ચૂંટણીજંગમાં ઉતારશે.

કોળી સમાજના આગેવાનોને પણ હાઇકમાન્ડ પાસે પોતાની જ્ઞાતિના વિવિધ ઉમેદવારોની યાદીમાંથી કોઇ એકનું નામ જાહેર થશે તેવી અપેક્ષા હતી, પરંતુ ભાજપે ક્ષત્રિય ઉમેદવાર જાહેર કરતા તેને ટક્કર આપવાના આશયથી જ કોંગ્રેસે પણ કાઠી દરબાર જ્ઞાતિના ખાચરને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે.

કોંગ્રેસ મૂળના કોળી નેતા અપક્ષ તરીકે મેદાને

બીજી તરફ લીંબડી બેઠકમાં સાયલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોપાલ નામદેવ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના ચેતન ખાચર વચ્ચે ત્રિપાંખિયા જંગની એંધાણ વર્તાયા છે.

કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વોદય, ગાંધીવાદી તરીકે જાણીતો મકવાણા પરિવાર મૂળતઃ કોંગ્રેસી છે. ગોપાલ મકવાણા કોંગ્રેસના નારાજ દાવેદાર અને પૂર્વ સાંસદ - પૂર્વ ધારાસભ્ય સ્વ. સવશીભાઈ મકવાણાના પૌત્ર છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબહેન કરમશી મકવાણા અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાના પરિવારમાંથી આવતા ગોપાલ મકવાણાના પરિવારમાં રાજકીય નેતૃત્વ માટે વર્ષોથી હરીફાઈ ચાલે છે. જેનો લાભ લઈને ભાજપે કલ્પના અને ઋત્વિકના ભત્રીજા ગોપાલને અપક્ષ ઉમેદવાર તરીકે ઉતારી કોંગ્રેસમાં જતા કોળી મતો અટકાવવા પ્રયાસ કર્યાનું કહેવાય છે. જેની પાછળ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાનો દોરીસંચાર હોવાનું જાણવા મળ્યું છે.

હાર્દિકે ટિકિટની વહેંચણીમાં ‘વહીવટ’ કર્યોઃ કિશોર ચીખલિયા

ફોર્મ ભરવાની તૈયારી વચ્ચે ૧૪મી ઓક્ટોબરે મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભડકો થયો હતો. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની ટિકિટના પ્રબળ દાવેદાર કિશોર ચીખલિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે એવો આક્ષેપ કર્યો હતો કે, જિલ્લા પ્રમુખ અને હાર્દિક પટેલે રૂપિયાનો વહીવટ કરી ટિકિટની વહેંચણી કરી છે અને હું દાવેદાર હોવા છતાં મને અન્યાય કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter