અમદાવાદઃ ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવપૂર્ણ સ્થિતિ વચ્ચે આતંકવાદીઓનું મુખ્ય ટાર્ગેટ ગુજરાત અને અમદાવાદ હોવાનો ‘ઈનપુટ’ છે. તેથી અમદાવાદની વૈભવી હોટલો માટે પણ એલર્ટ જારી કરાયું છે. તહેવારો વચ્ચે પોલીસને હાઈ એલર્ટ ઉપર રહેવા અધિકારીઓ વચ્ચે મિટિંગનો દોર શરૂ થયો છે. આંધ્ર પ્રદેશમાંથી ત્રણ આતંકવાદીઓ પકડાયા અને તેમની પાસેથી દસ્તાવેજો મળી આવ્યા તે પછી ગુજરાત અને અમદાવાદ માટે એલર્ટ જારી કરાયું છે. પોલીસના અધિકારીઓની તાજેતરમાં મળેલી મીટિંગમાં ‘ઈનપુટ’ અંગે માહિતી અપાઈ હતી કે, આંધ્રપ્રદેશ ખાતે ત્રણ આતંકવાદીઓ પાસેથી મળેલા દસ્તાવેજોના આધારે તેઓનું મુખ્ય ટાર્ગેટ ગુજરાત અને અમદાવાદ શહેર હોવાની જાણકારી મળી છે.

