આતંકી હુમલાનું એલર્ટઃ ચાર અફઘાની ગુજરાતમાં ઘૂસ્યા?

Wednesday 21st August 2019 07:41 EDT
 
 

ગાંધીનગરઃ કાશ્મીરમાં ૩૭૦ની કલમ દૂર કરાયા બાદ ગુજરાતમાં આતંકી હુમલા થવાની આશંકા પ્રવર્તી રહી છે ત્યારે અફઘાનિસ્તાનના ચાર આતંકવાદીઓ ગુજરાતમાં પ્રવેશ્યા હોવાના પગલે બનાસકાંઠાની બોર્ડર તેમજ શક્તિપીઠ અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરાયો હોવાના અહેવાલ છે. અંબાજી મંદિરમાં દર્શને આવતા શ્રદ્ધાળુઓનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે તેમજ મંદિરના મુખ્યદ્વાર શક્તિદ્વાર ગેટ નં. ૫-૬-૭ ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. છેલ્લા બે દિવસથી રાજસ્થાન સરહદે આવેલા શામળાજી અને બનાસકાંઠાની ચેકપોસ્ટો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે તેમજ વધારાનો પોલીસ કાફલો તહેનાત કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગુજરાતમાં સંભવિત આતંકી ગતિવિધિના પગલે હાઈએલર્ટ છે. હાઈએલર્ટ વચ્ચે ગુજરાતની તમામ સરહદો પર સિક્યુરિટી ટાઈટ કરી દેવાઈ છે. આવામાં ચાર અફઘાની પાસપોર્ટ ધારકો ભારતમાં ઘૂસ્યાની દહેશત વ્યકત કરાઈ છે. ગુજરાતના બનાસકાંઠા સહિત મુખ્ય શહેરો અને બોર્ડર પર તેના સંદેશ આપી દેવાયા છે. આઈબી દ્વારા ભારતમાં ઓગષ્ટ મહિનામાં આતંકી હુમલાના ઈનપુટ અપાયા છે. ગુજરાત એટીએસ તરફથી એસોજી, જિલ્લા એસઓજી અને તમામના આદેશ છૂટ્યા છે. આ ફોર્મ ૧૮ ઓગસ્ટ સુધી તમામ કચેરીઓમાં મોકલી દેવાય તેવું સૂચન સુરક્ષાતંત્ર દ્વારા કરાયું હતું. આ ઉપરાંત તમામ સૂચનોનું કડકપણે પાલન કરવાનું કહેવાયું છે. એટીએસને ઝાકી નામના પાકિસ્તાની આતંકી ઉપર શંકા છે. આ ખુંખાર આતંકી ઝાકી ભારતમાં ઘૂસેલા અફઘાની ગ્રુપને માર્ગદર્શન આપતો હોવાની શંકા છે. તેથી ગુજરાતની બોર્ડર પર એલર્ટ કરી દેવાઈ છે. ગુજરાત એટીએસ તરફથી આતંકી ગ્રુપને માર્ગદર્શન આપનાર ઝાકી નામના માણસનું ઓળખપત્ર પણ મોકલાયું છે.
સુરક્ષાદળ દ્વારા શક્તિપીઠ અંબાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. એકબાજુ, આતંકી હુમલાની દહેશત અને અંબાજીમા જગવિખ્યાત ભાદરવી પૂનમનો સાત દિવસનો મેળો નજીકમાં છે ત્યારે ઉભરાતાં માનવ મહેરામણની સલામતીના ભાગરૂપે અંબાજી મંદિરની સુરક્ષા બેવડાઈ છે જેમાં મુખ્ય દ્વારો પર સુરક્ષા જવાનો કાફલો મૂકી વધારો કરી દેવાયો છે.
મંદિરમાં પ્રવેશતાં દરેક યાત્રિકોનું સઘન ચેકિંગ ઉપરાંત તેમજ મંદિરના પટાંગણમાં હથિયારધારી સુરક્ષા જવાનો ગતિવિધિઓ ઉપર સતત બાજ નજર રાખી રહ્યાં છે. બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર ૩૦ એસઆરપી, ૧૫ પોલીસ તેમજ જીઆરડીના જવાનો સઘન ચેકિંગ કરી રહ્યા છે. બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર, પાંથાવાડા, ખોડા, છાપરી બોર્ડ પર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે.
શામળાજીમાં સઘન સુરક્ષા
જન્માષ્ટમીએ લાખો ભક્તો સુપ્રસિદ્ધ શામળાજી મંદિરે આવશે. શામળાજી રતનપુર બોર્ડરથી નજીક છે. વળી, ધાર્મિક સ્થળો ઉપર આતંકી હુમલાઓની દહેશતને કારણે શામળાજીમાં પ્રવેશતા આંતર રાજ્ય માર્ગ ઉપર લોખંડી પોલીસ પહેરો ગોઠવાયો છે. તાજેતરમાં શામળાજીની રતનપુર બોર્ડર ઉપર આઈજી અને પોલીસવડાએ મુલાકાત લીધી હતી.
સચિવાલયની સુરક્ષા વધારી દેવાઈ
આતંકીઓ ગુજરાતને નિશાન બનાવી શકે છે તેવા ડરને જોતાં રાજ્ય પોલીસ એલર્ટ બની છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશને જોડતી સરહદો સીલ કરી બુલેટપ્રુફ જેકેટ સાથે પોલીસને સજજ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં સચિવાલય, જૂના સચિવાલયની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
મુલાકાતીઓને નામ, સરનામા સહિતની વિગતો નોંધીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પાર્કિગમાં રખાતા વાહનો પર પણ નજર રાખવામાં આવી રહી છે. સચિવાલયના તમામ દરવાજે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસ સુરક્ષાના મામલે જરાય કચાશ રાખવા માગતી નથી. અક્ષરધામની સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. પ્રધાનોના નિવાસસ્થાને પણ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
પાટનગરમાં શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ખાનગી વાહનોના પાર્કિગ પર પ્રતિબંધ મુકાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter