ગાંધીનગરઃ આઈએસના આતંકીઓ ગુજરાતમાં યહૂદી ધર્મસ્થાનો પર હુમલો કરીને જમૈકા ભાગી જવાની તૈયારીમાં હતા. તે આતંકી મહંમદ કાસિમ ટિમ્બરવાલા સહિત બેને પકડવા બદલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એટીએસને બિરદાવ્યું હતું. આ સાથે રૂપાણીએ અહેમદ પટેલ પર વ્યક્તિગત આરોપો કર્યાં હતા કે આ આતંકીઓ ભરૂચની જે હોસ્પિટલમાંથી પકડાયા તે હોસ્પિટલમાં એહમદ પટેલ ટ્રસ્ટી હતા. હોસ્પિટલ સાથે એહમદ પટેલના વિશિષ્ટ નાતાને લઈને ભાજપે એહમદ પટેલ પર વ્યક્તિગત હુમલો કરતા કોંગ્રેસ પાસે જવાબ માગ્યો છે. રૂપાણીએ કહ્યું કે, આ દેશની સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. જો એહમદ પટેલના આતંકી સાથે સંબંધો હોય તો તે ગંભીર બાબત છે. આ મામલે એહમદ પટેલ અને રાહુલ ગાંધી જવાબ આપે.
રૂપાણીએ કહ્યું કે, હોસ્પિટલ અને એહમદ પટેલ સાથે આતંકીઓને શું સંબંધો હતાં? ભરૂચની હોસ્પિટલમાંથી આતંકીઓ પકડાયા તે હોસ્પિટલમાંથી જે રાજીનામું આપ્યું તે શું ટેકનિકલ હતું? કાસિમે આ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. તે પકડાયો તેના બે દિવસ પહેલાં જ રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યું કે લેવાયું? એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોર્ડની તપાસમાં જણાયું કે આ આતંકીઓ ખાડિયામાં હુમલો કરવાના હતા. વિજય રૂપાણીએ એવું પણ કહ્યું કે, કોંગ્રેસે જ એહમદ પટેલનું રાજીનામું લઈ લેવું જોઈએ.
રાજકીય મુદ્દો ન બનાવોઃ એહમદ પટેલ
રાજ્યસભાના સાંસદ એહમદ પટેલે આ અંગે ટ્વિટ કરી જણાવ્યું છે કે, ત્રાસવાદ સામે લડતી વખતે શાંતિપ્રિય ગુજરાતમાં ભાગલા પડે તેવું કામ ન કરો. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબતને રાજકીય મુદ્દો ન બનાવો. તેમણે કહ્યું કે, આ આક્ષેપો પાયાવિહોણા છે. એટીએસ દ્વારા બે આતંકી પકડાયા તેને બિરદાવું છું. હું આ ત્રાસવાદીઓ સામે કડક પગલાં લેવાય તેવી માગ કરું છું. બીજી તરફ સરદાર પટેલ હોસ્પિટલે સ્પષ્ટતા કરી છે કે એહમદ પટેલ કે તેમના પરિવારના કોઈ સભ્ય ટ્રસ્ટમાં જોડાયેલ નથી પણ કેટલાક લોકો અપપ્રચાર કરી રહ્યા છે જેને અમો વખોડી કાઢીએ છીએ.


