અમદાવાદઃ ગુજરાત રાજ્યના લાંબા સમયતી પડતર પ્રશ્નોની ચર્ચા કરવા દિલ્હીમાં ભાજપના ગુજરાતના સાંસદોની બેઠક યોજાઇ હતી. જેમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને તો ખાસ આમંત્રિત કરાયા હતા, પણ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. આર્થિક અનામત જાહેરાત વખતે પણ આનંદીબહેનને બાજુએ મૂકીને વિજય રૂપાણીને મહત્ત્વ અપાયું હતું. આ બે ઘટનાથી એવી વાતો ઉડી છે કે ગુજરાતમાં ફરી એક વાર સરકાર-સંગઠન આમને-સામને આવી ગયા છે.
મોદી સરકારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા પ્રધાન મોહનભાઇ કુંડારિયાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ગુજરાતના પ્રશ્નોની જ ચર્ચા જ નહીં, પણ આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પણ ઘડાઈ હતી. આટલી મહત્ત્વની ચર્ચા હોય ત્યારે મુખ્ય પ્રધાનની ગેરહાજરી આંખે ઊડીને વળગે તેવી હતી. અનામત આંદોલન બાદ ગુજરાતમાં રાજકીય માહોલ કંઇક અંશે ભાજપ વિરુદ્ધ બન્યો છે ત્યારે ભાજપ હાઇકમાન્ડ પણ આનંદીબહેનના એકહથ્થુ શાસનથી નારાજ હોવાનું મનાય છે.
સાંસદોની બેઠકમાં પ્રદેશ પ્રમુખ તરીકે વિજય રૂપાણી અને પ્રદેશ પ્રભારી તરીકે ઓમ માથુરને ખાસ હાજર રખાયા, પણ મુખ્ય પ્રધાન હોવાના નાતે આનંદીબહેન પટેલને આમંત્રણ જ નહોતું. બેઠકમાં ભાજપ પ્રમુખ અમિત શાહે વિધાનસભાની આગામી ચૂંટણીમાં મતવિસ્તારોની જવાબદારી સોંપવા નક્કી કર્યું હતું. આ ઉપરાંત હાલ કયા કયા વિસ્તારમાં ભાજપ વિરુદ્ધ જનમત પ્રવર્તી રહ્યો છે તેનો ક્યાસ કાઢીને રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઇ હોવાનું મનાય છે.


