ગાંધીનગરઃ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તરીકે આનંદીબહેન પટેલે ૨૨ મેએ પદભાર ગ્રહણ કર્યા બાદ એક વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ કરવાના અવસરે બ્લોગ દ્વારા પોતાના વિચાર રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે નરેન્દ્રભાઈએ ૧૩ વર્ષ પહેલાં વિકાસની જે કેડી કંડારેલી તેની ઉપર ચાલીને ગતિશીલ ગુજરાતના માધ્યમથી આપણે વિકાસની નવી ઊંચાઈઓ સિદ્ધ કરી રહ્યા છીએ. વિતેલું એક વર્ષ આ વિકાસ સફરનું નાનકડું માઇલસ્ટોન છે. મને ખુશી છે કે આપણે સૌ એકબીજાના સહકારથી આ સફરનો હિસ્સો બન્યા છીએ.
આનંદીબહેને ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતના સાડા છ કરોડ લોકોની સેવામાં પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે અને રાજ્યની વિકાસયાત્રામાં સાથ-સહકાર આપવા બદલ સૌ નાગરિકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. ગતિશીલ ગુજરાત અભિયાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું છે કે આ અભિયાન હવે એક સંસ્થાકીય પ્રણાલી અને ગુજરાતની નવી ઓળખ સમાન બની ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર આનંદીબેનને સત્તામાં સફળતાથી એક વર્ષ પૂર્ણ કરતાં અભિનંદન પાઠવ્યાં હતા.
મુખ્ય પ્રધાનના બ્લોગનો ટૂંકસાર આ મુજબ છે. પ્રિય મિત્રો, આજે જ્યારે વિતેલા વર્ષની સફર પર નજર કરું છું ત્યારે વિકાસના વિવિધ નિર્ણયો, વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ મારી નજર સામે આવે છે. પણ આ બધાની વચ્ચે મને જે સૌથી વધુ સંતોષ આપે છે એ છે ગુજરાતની મહિલાઓની આંખોમાં ડોકાતી નિર્ભયતા, યુવાનોની આંખોમાં છલકાતો આત્મવિશ્વાસ, ખેડૂતોએ કેળવેલી આધુનિકતા અને જનસાધારણના ચહેરા પર છવાયેલા મુસ્કાન.
ગુજરાતના પ્રત્યેક નાગરિકના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે અને તે કાયમ માટે ટકી રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું મારું લક્ષ્ય છે. આ લક્ષ્યની પરિપૂર્તિ માટે અવિરત અથાગ પ્રયાસ કરતા રહેવાની ખાતરી હું આજે આપ સૌને આપવા માંગુ છું.
આ એક વર્ષ દરમિયાન વિકાસના વિવિધ ક્ષેત્રો અને સમાજના દરેક વર્ગને આવરી લે તેવા કાર્યક્રમો, નીતિઓ અને નિર્ણયોની એક ઝલક આપતી મારી વેબસાઈટની લીંક અહીં મૂકી રહી છું. www.anandibenpatel.com વિકાસની આ સફરમાં આપ સૌનો સહયોગ સતત મળતો રહે તેવી લાગણી અને માંગણી આજે વ્યક્ત કરું છુ.