ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ દુકાળ રાહતના પગલાંની ચર્ચા કરવા સોમવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં તે પછી હવે આનંદીબહેનની વિદાય લગભગ નિશ્ચિત હોવાની વાત ગાંધીનગરથી દિલ્હી સુધીના રાજકીય વર્તુળોમાં ગાજી ઊઠી છે.
પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોની ચર્ચા માટે ૧૯મીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં પણ ગુજરાતના નેતૃત્વ પરિવર્તન અંગે ચર્ચા થાય જ એમાં બેમત નથી. મંગળવારે ઊજ્જૈનમાં સિંહસ્થ કુંભના પવિત્ર સ્નાન કરી ચૂકેલાં આનંદીબહેન રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન તરીકે ૨૨ મેએ કાર્યકાળનાં બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરે તે પછી તેમને ગાંધીનગરની ગાદી પરથી સન્યાસ અપાશે અને તેમને પંજાબ કે હરિયાણા જેવાં રાજ્યના રાજ્યપાલ તરીકે મોકલવામાં આવે તેવા એંધાણો છે. આનંદીબહેનના અનુગામી તરીકે નીતિન પટેલ, પુરૂષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની વરણી થઇ શકે છે તેવી ચર્ચાઓએ વેગ પક્ડયો છે. જોકે, પ્રદેશ ભાજપે રાજ્યમાં હાલ સત્તા પરિવર્તનની વાતોને માત્ર અફવા જ ગણાવી છે.
શાહની ગુજરાત મુલાકાત
છેલ્લા બે દિવસ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે ફરીથી આનંદીબહેનની વિદાય નિશ્ચિત હોવાના સંદેશા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, પણ હવે એ અફવાઓ કદાચ સાચી પડે તેવાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.
સરકારની રચનાથી વિરોધ
આનંદીબહેન જ્યારે મુખ્ય પ્રધાન બન્યાં ત્યારથી જ અમિત શાહના જૂથ સાથે ચાલેલાં રિસામણાં મનામણાં પરથી એવો અણસાર આવી ગયો હતો કે આનંદીબહેન માટે તેમનો કાર્યકાળ બહુ મુશ્કેલ હશે.
પાટીદાર પ્રશ્ન
આનંદીબહેનની સરકાર પાટીદાર આંદોલનને હેન્ડલ કરવામાં નિષ્ફળ ગઇ છે તેવા સંદેશાઓ વચ્ચે પક્ષના મોવડી મંડળ દ્વારા ઓમ માથુરને ગુજરાતની રાજકીય સ્થિતિનો તાગ મેળવવા મોકલાયા બાદ પ્રદેશ પ્રભારી ડો. દિનેશ શર્મા અને સહસંગઠન પ્રધાન વી. સતિશે પણ રાજ્યની મુલાકાત લઇ પોતાની રીતે ક્યાસ કાઢ્યો હતો. દસ દિવસ પહેલાં માથુરના નિવાસસ્થાને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં વી. સતિશની બેઠક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ગુજરાતમાં સત્તા પરિવર્તનના કારણો અપાયા હતાં. સૂત્રો કહે છે કે માથુરના રિપોર્ટ બાદ એકાએક જ રાજ્યમાં પ્રદેશ સંગઠને બાગડોર હાથમાં લઇ લીધી હતી. અમદાવાદમાં ભાજપ દ્વારા યોજાયેલી કર્ણાવતી પ્રીમિયર લીગના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના હસ્તે ઉદ્ઘાટનમાં પણ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ગેરહાજરી સૂચક બની હતી. છતાં આ માહોલ વચ્ચે પણ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ ‘ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો કોઇ પ્રશ્ન જ નથી,’ તેવો ખુલાસો ૧૬મીએ કર્યો છે.


