ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં મુખ્ય પ્રધાન બદલાવાની અફવાઓ વિશે નુક્તેચીની કરતાં જણાવ્યું છે કે, 'મારા પોલિટિકલ રીડિંગ પ્રમાણે અને હું જ્યાં સુધી ભાજપને ઓળખું છું ત્યાં સુધી આનંદીબહેન પટેલે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી દીધી છે એટલે એમને મુખ્ય પ્રધાનપદેથી હટાવાશે નહીં, પણ તેઓ આવતા નવેમ્બર-ડિસેમ્બરમાં જ સામે ચાલીને રાજીનામું આપી વહેલી ચૂંટણીઓ જાહેર કરાવી દે એવું બનવાજોગ છે.' પોતાની આગવી શૈલીમાં તોફાની નિવેદનો કરવા માટે પંકાયેલા શંકરસિંહે આ પ્રતિક્રિયા ત્યારે આપી, જ્યારે એમને પ્રવર્તમાન રાજકીય સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું. એમણે વધુમાં આ સંદર્ભે એમ પણ કહ્યું હતું કે, એમને ગવર્નરપદે બેસાડવામાં આવે એ વાતમાં કોઈ દમ નથી. એ તો ભવિષ્યના રાષ્ટ્રપતિ છે એ યાદ રાખજો.


