ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન પદેથી વિદાય લઇ રહેલા આનંદીબહેન પટેલે ગુરુવારે સાંજે ગવર્નરને મળીને તેમનું રાજીનામું સુપરત કર્યું હતું. ૩૦ વર્ષ ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તા અને સવા બે વર્ષ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે જવાબદારી સંભાળનાર આનંદીબહેન રાજીનામું આપતી વેળા અત્યંત ભાવુક થઇ ગયા હતા. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે તેમના રાજીનામું સ્વીકાર્યા બાદ સાંજે પાંચ વાગ્યે આનંદીબહેને ગવર્નર ઓ. પી. કોહલીને મળીને રાજીનામાના પત્ર સુપરત કર્યો હતો. આ સમયે તેમની સાથે રાજ્યના વરિષ્ઠ પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
બીજી બાજુ બંધારણીય જોગવાઇ પ્રમાણે મુખ્ય પ્રધાન પોતાના હોદ્દા પરથી રાજીનામું આપે, ત્યારે પોતાની કેબિનેટનું રાજીનામું પણ આપી દેતા હોય છે. આમ આખી સરકાર વિખેરાય જશે, જ્યાં સુધી નવા મુખ્ય પ્રધાન શપથ નહીં લે ત્યાં સુધી આ સરકાર માત્ર ‘કેરટેકર સરકાર’ બનીને જ રહેશે. નવા મુખ્ય પ્રધાનની સાથે આખા પ્રધાન મંડળની પણ શપથવિધિ થશે.
રાજીનામું આપવા માટે ગયેલા આનંદીબહેન માંડ પંદરેક મિનિટ જ રાજભવનમાં રોકાયા હતા અને કોઈ પણ પ્રધાનને મળ્યા વગર નીકળી ગયા હતા. જેથી તેઓ અંદરથી કેટલા વ્યથિત હતા તે જાણી શકાયું હતું.
ગત સોમવારે ફેસબુક ઉપર રાજીનામું પોસ્ટ કરનારા આનંદીબહેને બુધવારે સાંજે રાજભવનમાં જતાં પહેલાં બાદ બાદમાં મીડિયાને કોઈપણ પ્રતિક્રિયા આપવાનું સ્પષ્ટ રીતે ટાળ્યું હતું. રાજભવનની બરાબર સામે આવેલા કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના સત્તાવાર નિવાસસ્થાને આયોજન મુજબ ચુડાસમા સહિત કેબિનેટ પ્રધાનો નીતિન પટેલ, વિજય રૂપાણી, રમણલાલ વોરા, મંગુભાઈ પટેલ, બાબુ બોખીરિયા તેમજ રાજ્ય કક્ષાના પ્રધાનો પ્રદીપસિંહ જાડેજા, શંકર ચૌધરી, ગોંવિદ પટેલ, છત્રસિંહ મોરી વગેરે આશરે સાડા ચાર વાગે એકઠા થયા હતા. આ પ્રધાનો પાંચ વાગ્યાના સમય પ્રમાણે પાંચ મિનિટ અગાઉ સામે રાજભવનમાં પ્રવેશ્યા એ પછી સીએમ હાઉસમાંથી મોટરકારના કોન્વોય સાથે આનંદીબહેનની ગાડી આવી હતી. બંધ ગાડીના કાચમાંથી એમણે મીડિયા તરફ માત્ર હાથ હલાવ્યો હતો અને એમની મોટરકાર સીધી રાજભવનના પોર્ચમાં જતી રહી હતી.
રાજભવનમાંથી પંદરેક મિનિટ બાદ બહાર આવેલા આનંદીબહેન કારમાંથી મીડિયા તરફ ફરી હાથની એ જ મુદ્રા દર્શાવી જતા રહ્યા હતા. એમની પાછળ બહાર આવેલા ‘કેર ટેકર’ પ્રધાનોએ જણાવ્યું હતું કે, આનંદીબહેને શિરસ્તા મુજબ પોતાનું તથા પોતાના મંત્રીમંડળનું રાજીનામું આપતો ટૂંકો પત્ર રાજ્યપાલને સોંપ્યો પછી એમને બીજી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી કામચલાઉ રીતે ચાર્જ સંભાળવાનું જણાવ્યું છે. રાજભવનમાં જતી વખતે રસાલામાં સામેલ થનારા પ્રધાનોમાં ભૂપેન્દ્રસિંહ, વિજય રૂપાણી અને શંકર ચૌધરી ભારે નિસ્તેજ જણાયા હતા. મંગળવારે હોંશે હોંશે નવી પવન ઊર્જા નીતિની ઘોષણા કરનારા ઊર્જા પ્રધાન સૌરભ પટેલ તથા ગૃહરાજ્ય પ્રધાન રજનીકાંત પટેલની રસાલામાં ગેરહાજરી ઊડીને આંખે ચઢી હતી.


