આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં રાજકીય પાંખોનો વિસ્તાર કરવાનું નક્કી કરી લીધું છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપ પાર્ટીના રાષ્ટ્રીય સંવાહક અરવિંદ કેજરીવાલ જુલાઈમાં સોમનાથ મંદિરના દર્શન કરી ભાજપ શાસિત રાજ્યમાં ડિસેમ્બર ૨૦૧૭માં યોજાનારી વિધાનસભાની ૧૮૨ બેઠક માટેની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.
• આનંદીબહેને પ્રવચન શરૂ કરતાં પાટીદાર મહિલાઓનો હોબાળોઃ હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં શાળા પ્રવેશોત્સવ માટે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પ્રવચન શરૂ કરતાંની સાથે જ પાટીદાર મહિલાઓએ હાર્દિક પટેલને જેલમાંથી મુક્ત કરવાની માગણી કરી હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે મુખ્ય પ્રધાને ભાષણ અટકાવવું પડયું હતું. પોલીસે ૨૮ પાટીદાર મહિલાઓની અટકાયત કરી હતી. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના કાર્યક્રમ અગાઉ જ હાર્દિક પટેલના પરિવારજનોને નજરકેદમાં રખાયા હતા.
• તિસ્તાની એનજીઓનું રજિસ્ટ્રેશન રદઃ કેન્દ્ર સરકારે દેશમાં ચાલી રહેલા એનજીઓ ઉપર પસ્તાળ પાડવાની શરૂઆત કરી દીધી છે. તેના પ્રથમ પગલાં રૂપે તેણે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને તેના પતિ જાવેદ આનંદ દ્વારા સંચાલિત સબરંગ એનજીઓની કાયમી નોંધણી રદ કરી છે. ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી દ્વારા જણાવાયું હતું કે એનજીઓ ઉપર ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ) અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એનજીઓ ઉપર એવો આરોપ હતો કે જે કામ માટે તેને વિદેશી ભંડોળ મળ્યું હતું તેના સિવાયનાં કામમાં તેણે તે ભંડોળનો ખર્ચ કર્યો હતો. એનજીઓની નોંધણી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

