અમદાવાદઃ આમ આદમી પાર્ટીને પંજાબમાં ધાર્યુ પરિણામ મળ્યું નહીં. દિલ્હીના પરિણામોએ આપની રાજકીય પ્રતિષ્ઠાને દાવે મૂકી છે. આ કારણે આપના રાષ્ટ્રીય નેતાઓએ એવું નક્કી કર્યું છે કે, આગામી દિવસોમાં અન્ય રાજ્યોમાં આયોજનબદ્ધ રીતે ચૂંટણી લડવી જેથી પક્ષની પ્રતિષ્ઠાને નુકશાન થાય નહીં. આપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા ઓછી જણાય છે.સૂત્રોના મતે, પંજાબમાં ખરાબ દેખાવ પછી દિલ્હી મ્યુનિ. કોર્પોરેશનમાં પણ આપનો સફાયો થયો. આ પરિણામો બાદ પક્ષે આત્મમંથન શરૂ કર્યું છે. દિલ્હીમાં ૨૫મી એપ્રિલે આપની રાષ્ટ્રીય કક્ષાની એક બેઠક મળી હતી. આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હવે દિલ્હીમાં શાસન મજબૂત કરવામાં આવશે. લોકો સાથે ઘનિષ્ઠ સપર્ક કરીને લોકાભિમુખ વહીવટ કરવાની દિશામાં પ્રયાસો કરાશે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આપ હજુ પોતાનો સિક્કો જમાવી શક્યું નથી. આ ઉપરાંત રાજ્યમાં સંગઠન પર ઉભરી શક્યું નથી. સૂત્રોનું કહેવું છે કે, આપના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવાના મતમાં નથી. આપના પ્રવક્તા હર્ષિલ નાયકે આ વાતને સમર્થન આપતાં કહ્યું કે, આ મુદ્દે ટૂંક જ સમયમાં નિર્ણય લેવાશે.

