અમદાવાદઃ આફ્રિકાના મધ્યમવર્ગીય અને ગરીબ વિસ્તારોમાં જેતપુરની સાડીઓ વર્ષોથી પ્રચલિત છે, હવે આફ્રિકામાં આવી રહેલી પ્રમુખની ચૂંટણીના બેનર્સ અને પડદા પણ જેતપુરમાં બની રહ્યા છે. ઉપરાંત મતદારોને સંમોહિત કરવા માટે ભારતમાં જે રીતે ભેટ સોગાદોનું વિતરણ થાય છે એથી થોડું અલગ આફ્રિકામાં પ્રમુખપદના ઉમેદવારોના ફોટાવાળી સાડી મહિલાઓને અપાઈ રહી છે. અત્યારે પૂરજોશથી જેતપુરમાં આવી સાડીઓ બની રહી છે. આફ્રિકા ખંડના ૪૪ જેટલા દેશોના એક પણ ગામમાં એક પણ આફ્રિકન સ્ત્રી એવી નહીં હોય કે જેણે જેતપુરની સાડી કે જેને કિંટાગો કહેવામાં આવે છે. તે પહેરી ન હોય.
આફ્રિકામાં મહિલાઓ સાડી સાથે બ્લાઉઝ કે ચણિયા નથી પહેરતી. તેઓ માત્ર સાડી શરીરને વિંટાળે છે. સાડીઓની સફળતા બાદ સ્થાનિક આફ્રિકન નેતાઓ હાલમાં ચૂંટણી પ્રચારમાં જે બેનર્સનો ઉપયોગ કરે છે. તેમાં એક્રેલિક, પ્લાસ્ટિક પૂઠાં ભાવમાં ખૂબ મોંઘા પડતા હોવાથી સાડીઓમાં જ પોતાનાં પક્ષનું નિશાન તેમજ પક્ષના ઉમેદવાર રાષ્ટ્રીય પક્ષનું નિશાન છપાય છે અને તેનો ઉપયોગ સ્ત્રીઓને ભેટમાં આપવામાં અને જાહેર જગ્યાઓએ બેનર્સ લગાવવામાં થાય છે. ટૂંકા ગાળામાં યોજાનારી આફ્રિકન પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિના ફોટા, પક્ષનું નિશાન મશાલ તેમજ મને મત આપી વિજયી બનાવોનું સૂત્રની ખાસ છપામણી હાલમાં જેતપુરમાં ચાલે છે.


