અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમદાવાદના રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર પર પક્ષના સેંકડો કાર્યકરો સાથે સંવાદ યોજી ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પ્રચારનું રણશિંગું ચોથીએ ફૂંક્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રાતોરાત કોંગ્રેસમાં આવતાં આયાતી ઉમેદવારોને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળે. અશોક ગેહલોતને ગુજરાત મોકલ્યા ત્યારે જ કહી દીધું હતું કે, પેરાશૂટ સિસ્ટમથી કોઈને ટિકિટ મળવી ન જોઈએ. જે લોકો જમીન પર રહીને ભાજપ-આરએસએસ સામે લડે છે તેને ટિકિટ આપીશું. આ કાર્યક્રમમાં ૩૦ હજારથી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતો માથે રૂ. ૩૬ હજાર કરોડનું દેવું છે. મોદી સરકારે ટાટાને નેનો પ્રોજેક્ટ માટે રૂ. ૬૦ હજાર કરોડનો ફાયદો કરાવ્યો છે. જો ટાટા નેનોને બદલે ગુજરાતના નાના વેપાર-ઉદ્યોગને રૂ. ૬૦ હજાર કરોડનો આ ફાયદો કરાવ્યો હોત તો ગુજરાતમાં વધુ લોકોને રોજગાર મળત. આજે આપણી લડાઈ ચીન સાથે છે. આજે આપણે ત્યાં કેમેરા, મોબાઈલ સહિતની દરેક વસ્તુઓ મેઈડ ઈન ચાઈનાની જોઈએ છીએ. દેશના નાના વેપાર-ઉદ્યોગો જ ચાઈનાનો મુકાબલો કરી શકે છે, પરંતુ કમનસીબે મોદી સરકાર ૪૦-૫૦ ઉદ્યોગપતિ માટે જ કામ કરે છે. રાહુલે ગુજરાતમાં આગામી સમયમાં કોંગ્રેસ જ સરકાર બનાવશે તેવા દાવા સાથે કહ્યું કે, અમારી સરકાર મધ્યમ અને નાના કદના ઉદ્યોગો પર ફોકસ કરશે અને તેમને પૂરતી મદદ કરશે તેવું આશ્વાસન આપ્યું હતું.


