અમદાવાદઃ આર્ડોર કંપની અને તેની સાથે સંકળાયેલા ભરત શાહ, ગીતા ભરત શાહ, ફેનિલ શાહ તથા અન્યોએ બોગસ કંપની બનાવીને કરોડો રૂપિયાની લોન મેળવી હોવાની તપાસમાં ૧૪મી જુલાઈએ નવી હકીકતો બહાર આવી છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલી આર્ડોર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની સિસ્ટર કંપની આર્ડોર ગ્લોબલ પ્રાઈવેટ લિ. અને કેમ-એજ પ્રાઈવેટ લિ.માંથી પણ આર્ડોર સાથે સંકળાયેલા ફેનિલ શાહ, ભરત શાહ, ગીતા ભરત શાહ તથા અન્યોએ કરોડો રૂપિયાની લોન મેળવીને નાણાં નહીં ભરતા ગાંધીનગર સીબીઆઈએ ચાર નવી એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયાએ સીબીઆઈમાં વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં લેખિત ફરિયાદો કરી હતી. જેની તપાસ કરતાં અને પુરાવા એકત્ર કરતાં આશરે રૂ. ૧૪,૦૦૦ કરોડના મની લોન્ડરિંગ કૌભાંડ બહાર આવ્યું હતું. આ કેસમાં બેનામી કંપનીઓ બનાવી રાઉટિંગ અને રોટેશન મારફતે કરોડો રૂપિયા સગેવગે કરાયા હોવાની તપાસ ચાલે છે.
તાજેતરમાં કેમ-એજ કંપનીની તપાસમાં બહાર આવ્યું હતું કે, આ કંપની મારફતે રૂ. ૪,૮૮૦ કરોડ જુદી જુદી કંપનીઓને જુદા જુદા સમયે, જુદા જુદા માધ્યમથી ટ્રાન્સફર કરી, રોટેટ કરી પાછા કંપનીની આવક કે નફા તરીકે બતાવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કેમ-એજ કંપની સાથે સંકળાયેલી વિવિધ નાની કંપનીઓને એપ્રિલ-૧૪થી ડિસેમ્બર-૧૬ના સમયમાં સીઈઆઈપીએલ કંપનીએ કુલ રૂ. ૪૮૮૦ કરોડ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. જેની સામે શંકાસ્પદ નાની નાની કંપનીઓ સીઈઆઈપીએલ કંપનીની દેવાદાર હતી.
આ કંપનીઓએ દેવા ચૂકવણી પેટે આટલી જ રકમ પરત કરી હતી. આ જ રીતે આર્ડોર અને એજીપીએલ વચ્ચે આ જ રીતે આશરે રૂ. ૧૦,૩૦૩ કરોડ જેટલી જંગી રકમ આ જ સમયગાળામાં રાઉટિંગ અને રોટેશન મારફતે સગેવગે કરી હોવાનુંય તપાસમાં ખૂલ્યું
છે. જેમાં હજુ વધુ તપાસ ચાલી રહી છે.