ગાંધીનગર: સુરતના હજીરામાં એસ્સાર સ્ટીલ પ્લાન્ટ હસ્તગત કર્યા બાદ આર્સેલર મિત્તલ ગ્રુપ દ્વારા રૂ. ૨૪૪૦ કરોડ માફ કરવા સરકારમાં દબાણ વધાર્યાની ચર્ચા ઉઠી છે. દાયકા અગાઉ એસ્સારે હજીરાના પ્લાન્ટ નજીક વન વિભાગની ૭૨ હેક્ટર જમીન પર દબાણ કર્યું હતુ. આ આખી કંપની જ આર્સેલર મિત્તલે ખરીદી છે. જંગલની જમીનમાં દબાણનો મુદ્દો ગાજ્યા બાદ માર્ચ- ૨૦૧૦માં એસ્સારે વાણિજ્ય હેતુ માટે જમીનનું દબાણ નિયમિત કરવા સરકારમાં રૂ. ૧૨૭ કરોડ જમા પણ કરાવ્યા હતા. જોકે, ૨૭ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ સુરત જિલ્લા મૂલ્યાંકન સમિતિએ પ્રતિ ચો.મી.એ રૂ. ૧૬ હજાર ૫૨૦ જેટલું પ્રીમિયમ નક્કી કરીને તે ભરવા જણાવ્યું હતું. છ વર્ષ જૂના આદેશ મુજબ પ્રીમિયમની ગણતરી કરતા તે રકમ રૂ. ૧૧૮૯ કરોડ થવા જાય છે જ્યારે તેના પર ડબલ પેનેલ્ટી ગણતા સરકારને રૂ. ૨૨૪૦ કરોડ લેવાના નીકળે છે.
કહેવાય છે કે એસ્સારે વર્ષ ૨૦૧૦-૧૧માં રૂ. ૧૨૭ કરોડ ચૂકવ્યા હોવાથી અમારે વધારાની રકમ આપવાની થતી નથી એવું કહીને આર્સેલર મિત્તલ ગ્રુપે હવે સરકાર પર દબાણ વધાર્યું છે. મહેસૂલ વિભાગ દ્વારા કરાયેલી નોંધ મુજબ વર્ષ ૨૦૧૪માં ગણાયેલું રૂ. ૧૬૫૨૦ લેખે પ્રીમિયમ અને તેના ઉપર વ્યાજ લેવું કે કેમ? અથવા તો પ્રવર્તમાન સ્થિતિએ પ્રીમિયમ લેવું? તે મુદ્દે સરકારનું માર્ગદર્શન માગવામાં આવ્યું છે.

