આશા તાઈનો ગુજરાત સાથે લોહીનો નાતો

Friday 17th April 2026 06:45 EDT
 
 

પોતાના જાદુઈ અવાજથી કરોડો શ્રોતાઓના હૃદય પર રાજ કરનાર પીઢ ગાયિકા આશા તાઈએ હિન્દી અને મરાઠી સહિત અનેક ભાષામાં પોતાના અવાજનો જાદુ પાથર્યો છે, પરંતુ ગુજરાત અને ગુજરાતી ગીત સાથેનો તેમનો નાતો અત્યંત ખાસ અને આત્મીય રહ્યો છે. તેમનું ગુજરાતી કનેક્શન માત્ર ગીતો પૂરતું સીમિત નથી, પરંતુ તે પારિવારિક અને લોહીનો સંબંધ છે. લતા મંગેશકર અને આશા ભોંસલેનાં માતા સેવંતીબેન (જેમનું નામ લગ્ન પછી સુધામતી રખાયું હતું) મૂળ ગુજરાતી હતાં. લતા મંગેશકરે આ વાત હરીશ ભીમાણીના પુસ્તક ‘ઈન સર્ચ ઓફ લતા મંગેશકર’માં કરી હતી. આશા તાઈની નસોમાં ગુજરાતી સંસ્કાર વહેતા હતા. કદાચ આ જ કારણ હતું કે જ્યારે પણ તેમણે ગુજરાતી ગીતો ગાયા, ત્યારે તેમાં એક અનોખી આત્મીયતા, સ્પષ્ટ ઉચ્ચાર અને માટીની મહેક અનુભવાતી હતી.
ગુજરાત ‘નાના’નું ઘર હોય એવું લાગે છે
થોડા વર્ષો પહેલા અમદાવાદ આવેલાં આશાતાઈએ પોતાના વક્તવ્યનો પ્રારંભ ‘મારા વ્હાલા ભાઈઓ-બહેનો પ્રણામ..’ શબ્દો સાથે કર્યો હતો અને કહ્યું હતું કે, ‘મારા પિતા મરાઠી જ્યારે માતા ગુજરાતી હતા. મારા માતા-પિતાએ પ્રેમલગ્ન કર્યા હતા કે કેમ તેનો મને ખ્યાલ નથી અને અમે કદી તે વિષે તેમને પૂછ્યું પણ નથી. ગુજરાત આવું ત્યારે નાના ને ઘરે આવતી હોઉં એમ લાગે છે.’
ગુજરાતી ગીતોમાં પ્રાણ પૂર્યા
પોતાની સુવર્ણ કારકિર્દીમાં આશા ભોંસલેએ અનેક ગુજરાતી ફિલ્મો, લોકગીતો, ભજનો અને ગરબા ગાયા છે. 60 અને 70ના દાયકામાં જ્યારે ગુજરાતી સિનેમા નવા શિખરો સર કરી રહ્યું હતું. ત્યારે આશા તાઈના અવાજે તેને નવો જ જાન આપ્યો. વિશેષ કરીને ગુજરાતી સંગીતના દિગ્ગજ સંગીતકાર અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસ સાથેની તેમની જુગલબંધીએ અનેક હિટ ગીતો આપ્યા છે.

•••

આશાજીના સ્વરમાં અમર થઇ ગયેલા ગુજરાતી ગીતો
• છેલાજી રે, મારે હાટું પાટણથી પટોળાં મોંઘા લાવજો...
• છાનું રે છપનું કંઈ થાય નહીં...
• તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે...
• એક પાટણ શેરની નાર પદમણી...
• તારો લટકો છે સવા લાખનો...
• ધમક ધમક ધમ સાંબેલું...
• માડી તારું કંકુ ખર્યું ને સૂરજ...
• સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમીયા...
• મારા પાલવડે બાંધ્યો જશોદાનો જાયો...
• ખમ્મા મારા નંદજીના લાલ...
• તારા ફળીયામાં પગ નહીં મેલું...
• ક્યાં રમી આવ્યા રાસ...
• ઉંચી તલાવડીની કોર...
• છલકાતું આવે બેડલું...
• હે રંગલો જામ્યો...
• માનું ગગન ઘેરાઈ ગયું...
• ઉભી શેરીને ઉભી બજાર...
• ફુલડા વિણવા ગઈતી...
• મેલો મેલો રે મારગડો...
• મા પાવા તે ગઢથી...
• જય આદ્યા શક્તિ...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter