પાટણઃ ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આશા પટેલે પાટણમાં કે સી પટેલ સંકુલમાં યોજાયેલા કલસ્ટર સંમેલનમાં હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર ખટ્ટર, ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી સહિતના આગેવાનોની હજરીમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
ઊંઝાના ગ્રામ્ય ક્ષેત્રના બે હજારથી વધુ સમર્થકો આશા પટેલને સ્ટેજ સુધી દોરી ગયા હતા અને પ્રદેશ પ્રમુખે તેમને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે આશા પટેલને ફૂલહાર પહેરાવીને પક્ષમાં પોંખ્યા હતાં. મહત્ત્વનું એ છે કે આશા પટેલે પોતાના કાર્યકરો કહેશે તે મુજબ નિર્ણય લેવા જાહેરાત કર્યા પછી કેસરિયો ધારણ કરતાં રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા છે. ચર્ચા છે કે કલસ્ટર સંમેલનમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ આવવાના, પણ તેમની મુલાકાત રદ્ થતાં આશાબહેન ગાંધીનગરમાં જ નીતિન પટેલને મળ્યા અને નક્કી થયું કે તેઓ ભાજપમાં જોડાશે.
ઊંઝા પાલિકામાં કેસરિયો!
આશા પટેલના ભાજપ પ્રવેશ સાથે નગર પાલિકાની ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ૧પ નગરસેવકો પણ ભાજપમાં જોડાતાં હવે ટૂંક સમયમાં જ નગરપાલિકામાં પણ ભાજપ વિધિવત રીતે સત્તારૂઢ થશે અને કેસરિયો લહેરાશે. ઊંઝા નગરપાલિકાના પ્રમુખ મણિ પટેલ, ઉપપ્રમુખ મીનાબહેન પટેલ સહિત કુલ ૧૫ નગરસેવકો ભાજપમાં જોડાઈ ગયા છે. મહત્ત્વનું છે કે, વર્ષ ૨૦૧૫માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ઊંઝા નગરપાલિકામાં અપક્ષોનો દબદબો રહ્યો હતો, પણ હવે અપક્ષ નામ માત્રનો વધ્યો નથી.
ક્રોંગ્રેસીઓમાં હજી જ્વાળા
આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસમાં હજી પણ કેટલાક નેતાઓમાં નારાજગીનો દોર યથાવત રહ્યો છે. હવે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે એવી ચીમકી ઉચ્ચારી છેકે, જો પક્ષવિરોધી સામે પ્રદેશ નેતાગીરી પગલાં નહી ભરે તો, હું ધારાસભ્યપદેથી રાજીનામું આપી દઇશ.


