અમદાવાદઃ સુરસામ્રાજ્ઞી આશા ભોંસલેના સ્વરમાં અને ગુજરાતના ગૌરવ સમાન પદ્મશ્રી સ્વ. અવિનાશ વ્યાસ રચિત ગરબા આલબમ ‘તાળીમાં કંકુ વેરાય’નું વિમોચન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૨૦ ઓગસ્ટે કર્યું હતું. ૨૦ ઓગસ્ટ ૧૯૮૪ના અવિનાશ વ્યાસના નિર્વાણદિન નિમિત્તે તેમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે આ અનેરો સંગીતનો રસથાળ રચવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ આલબમને રજૂ કર્યું હતું, જેમાં અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસ દ્વારા આ કાર્યક્રમ શક્ય બન્યો હતો.
સદાબહાર ગીતોથી લાખો શ્રોતાઓનાં દિલો પર રાજ કરનાર આશા ભોંસલે પોતાના મોસાળ ગુજરાત પ્રત્યે અનોખું આકર્ષણ અને અવિનાશભાઈ સાથેના લાગણીના સંબંધે થોડાં ભાવુક થઈ જતાં કબૂલ કર્યું હતું કે અવિનાશ વ્યાસે તેમને ગુજરાતી ગીતો અને ગરબા દ્વારા એક જુદી જ દુનિયાથી પરિચિત કરાવી હતી. તેમણે પોતાનાં પ્રિય ગીત તારી વાંકી રે પાઘડલીનું ફૂમતું રે... ગીતની પંક્તિ પર વિદેશીઓને પણ ડોલાવી ચૂકેલ આશાજીએ આ ગુજરાતી આલબમમાં પોતાનાં પ્રિય ગીત છેલાજી રે...ના પણ રાગ છેડ્યા હતા. તેમણે શ્રોતાઓને આ ગીતનાં આલબમને સાંભળવા પણ ભલામણ કરી હતી.