અમદાવાદ: દેશના ઇતિહાસમાં પ્રથમ વાર ગુજરાત હાઇ કોર્ટે યુ ટ્યૂબના માધ્યમથી કોર્ટની કાર્યવાહીનું જીવતં પ્રસારણ શરૂ કર્યું છે. પ્રાયોગિક ધોરણે માત્ર ચિફ જસ્ટિસની કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરાયું હતું. ન્યાયિક ક્ષેત્ર ડિજિટલાઇઝેશન અને ડિજિટલ પ્લેટફોર્મની ક્ષમતા માટે દેશના ન્યાયતંત્રમાં મોખરાનું સ્થાન ધરાવતી ગુજરાત હાઇ કોર્ટે તેની ક્ષમતામાં નવું છોગું ઉમેર્યું છે. સોમવારે ગુજરાત હાઇ કોર્ટના ચિફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાળાની ખંડપીઠ દ્વારા થયેલી સુનાવણીનું વીડિયો કોન્ફરન્સથી યુ ટ્યૂબ મારફત ઓપન ટુ ઓલ લાઇવ સ્ટ્રીમિંગ કરાયું હતું. આ પ્રકારે વ્યાપક સમૂહ માટે સુનાવણીનું સફળ લાઇવ સ્ટ્રીમિંગ કરનાર ગુજરાત હાઇ કોર્ટ દેશમાં પ્રથમ છે.