રાજ્યમાં વૈશ્વિક સ્તરની આરોગ્ય સેવા પૂરી પાડવા માટે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ અને ઇન્ડો-યુકે હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટ સાથે આરોગ્ય પ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ સમજૂતિ કરાર-એમઓયુ કરવામાં આવ્યા હતા. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતને વિકાસના અનેક શિખરો સર કર્યા છે ત્યારે કેન્દ્ર સરકારે વૈશ્વિક સ્તરની હોસ્પિટલ માટે ગુજરાતની પસંદગી કરી છે. ઇન્ડો-યુકે હેલ્થકેર સમગ્ર દેશમાં એક બિલિયન પાઉન્ડના રોકાણ સાથે ૧૧ આરોગ્ય સંસ્થાઓનું નિર્માણ કરશે. જેમાં એક હજાર પથારીની અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલનું નિર્માણ થશે.
• ચાર જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસમાં બળવોઃ જિલ્લા પંચાયતોમાં વિવિધ સમિતિઓમાં સભ્યપદ મેળવવા માટે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોમાં ખેંચતાણ શરૂ થઇ ગઈ છે પરિણામે એવી પરિસ્થતિ છે કે મોરબી, દાહોદ, ભાવનગર અને બોટાદ જિલ્લા પંચાયતોમાં બળવો થયો છે. આ ચારેય પંચાયતોમાં કોંગ્રેસ પક્ષના આદેશ વિરૂદ્ધ સમિતિઓની રચના કરી દેવાઇ છે જેથી ખુદ પ્રદેશ કોંગસના નેતાઓ પણ ચિંતામાં મુકાયાં છે. સૂત્રોના મતે, જિલ્લા પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિ સહિત અન્ય સમિતિમાં સભ્યપદ માટે રાજકીય ખેંચતાણને પગલે હજુ સુધી સુધી ચારેક જિલ્લા પંચાયતમાં સમિતિઓ રચી શકાઇ નથી. મોરબી જિલ્લા પંચાયતમાં પક્ષે આદેશ કર્યો છે છતાંયે મનસ્વી રીતે સમિતિઓની રચના કરી દેવાઇ છે જેથી અન્ય સભ્યોએ વિરોધ નોંધાવતા બળવાની સ્થિતી સર્જાઇ છે.
• ગૂજરાત વિદ્યાપીઠના સ્વયંસેવકોને બિરદાવાયાઃ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, સાદરાના રાષ્ટ્રીય સેવા યોજના એકમના કુલ ૪૩ સ્વયં સેવકોને એક દળ નેપાળ ભૂકંપ વખતે ૨૦ દિવસ સુધી નેપાળના લલિતપુર જિલ્લાના લુભુ ગામમાં ભૂકંપ
રાહત કામગીરી બદલ ફિલિપિન્સ ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. સ્વયંસેવકોને પ્રશસ્તિ પત્ર, બેઝેસ અને મોમેન્ટો આપવામાં આવ્યા હતા.
• વઢવાણ પાલિકામાં મહિને મહિલા સરકારઃ વઢવાણમાં મહિનામાં એક દિવસ નગર સેવા સદનનો વહીવટ મહિલાઓને સોંપી ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કોંગ્રેસ શાસિત અને પુરુષ પ્રમુખ-ઉપપ્રમુખ ધરાવતી વઢવાણ નગરપાલિકામાં દર માસે પ્રથમ શનિવારે પાલિકાના તમામ વહીવટ મહિલાઓ કરે તેવો ક્રાંતિકારી નિર્ણય લીધો હતો. આથી છઠ્ઠી ફેબ્રુઆરીએ નગરના જે તે વોર્ડની મહિલાઓએ પણ કોઈ ભય વગર પૂરતી મોકળાશ સાથે પોતાના વિસ્તારના પ્રશ્નો મહિલા શાસકો સમક્ષ રજૂ કરવા ઉમટી પડી હતી. પાલિકામાં કોંગ્રેસ પક્ષની ૧૨ મહિલા સદસ્યો શાસન સંભાળશે.
• માતાથી એક માસનું બાળક કેનાલમાં પડી ગયુંઃ શાહીબાગમાં થયેલી બાળકના અપહરણની ઘટના માતા હેતલ ચૌહાણનું તરકટ હોવાનું બહાર આવ્યું હતું. છઠ્ઠીનો દોરો કેનાલમાં પધરાવવા જતાં દોરા સાથે બાળક પણ છટકી જતાં માતા ગભરાઈ ગઈને અપહરણ થયાની વાતો ઘડી કાઢી હોવાનું તાજેતરમાં ખૂલ્યું. ચોથી ફેબ્રુઆરીએ બાળકને રિક્ષામાં લઈને આવતા માતા રોડ પરના કેમેરામાં કેદ થઈ હતી. અમદાવાદ પોલીસ ગાંધીનગર નજીક કેનાલમાં બાળકની શોધખોળ કરશે.
• ૪ યુવાનોએ ISISની તાલીમ લીધીઃ અમદાવાદના કોટ વિસ્તારના પાંચ યુવકોમાંથી ચાર યુવકો સિરિયા-ઇરાક આઇએસઆઇએસની તાલીમ લઇને પરત આવ્યાના ઇનપુટ બાદ એન્ટી ટેરેરિસ્ટ સ્વોર્ડ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોટ વિસ્તારના ચારેય યુવાનોની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ ચારેય યુવકો ગુજરાતમાં અન્ય કોઇ રાજ્યના યુવાનોની મદદથી કોઇ મોટું ઓપરેશન હાથ ધરે તેવી સંભાવના હોવાથી ચારેય યુવાનો અને તેમના સગાંસબંધીઓની પૂછપરછ શરૂ કરાઈ છે.
• સિમેન્ટના વેપારી સામે રૂ. ૨૦ લાખની વેટ ચોરીની ફરિયાદઃ અહીંના સિમેન્ટના વેપારી ચેતનભાઈ સંઘરાજકા સામે રૂ. ૨૦ લાખના વેટની ચોરી કરવાના આરોપસર ફરિયાદ થઈ છે. વેપારી ચેતનભાઈ સંઘરાજકા સને ૨૦૧૨થી આજ દિવસ સુધી ઈરાદપૂર્વક ખોટા બિલો ભરી કરચોરી કરવાના આશયથી રિફંડ મળવાપાત્ર નહીં હોવા છતાં
રૂ. ૧૯,૯૯,૯૧૦ની કરચોરી કર્યા અંગે વેટ અધિકારી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

