અમદાવાદ: ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પી પી પાંડે બાદ હવે ડી જી વણઝારા અને એન કે અમીનને પણ સીબીઆઇ કોર્ટે આરોપ મુક્ત જાહેર કર્યાં છે. બંને આરોપીઓની ધરપકડ માટે રાજ્ય સરકારે પરવાનગી નહીં આપી હોવાના મહત્ત્વના ગ્રાઉન્ડને ધ્યાને લઈ કોર્ટે આરોપીઓને આરોપ મુક્ત કર્યાં છે. કોર્ટે એન્કાઉન્ટર સાચું હોવાનું પણ ઠેરવ્યું છે.
ઇશરત એન્કાઉન્ટર કેસમાં પી પી પાંડે મુક્ત થયા પછી એન કે અમીન અને ડી જી વણઝારાએ પણ એડવોકેટ વી ડી ગજ્જર મારફત ડિસ્ચાર્જ એપ્લિકેશન કરી હતી અને રજૂઆત કરાઈ હતી કે આ એક રાજકીય ખેલ હતો.
ક્રાઈમ બ્રાંચે રાજ્ય સરકારની પરવાનગી વગર કાર્યવાહી કરી કાયદાથી વિપરીત કાર્યવાહી કરી તેથી આ કેસ ગુંચવાયો હતો. પ્રાથમિક દૃષ્ટિએ જ આ કેસ શંકા ઉપજાવે તેવો હતો. એન્કાઉન્ટરમાં બે મૃતક ભારતીય નાગરિક પણ ન હતા. સમીમા કૌશર તરફે એવી રજૂઆત કરાઈ હતી કે, વણઝારા તે સમયે ડીસીપી હતા તેમણે મુખ્ય કાવતરું ઘડ્યું હતું. અમીન પણ ઘટના સ્થળે હાજર હતા.


