અમદાવાદઃ સેટેલાઈટમાં રહેતા નિવૃત્ત કર્મચારીને ઇંગ્લેન્ડની રોઝી નામની વિધવા મહિલાએ વાતોમાં ફસાવી પોતાની પાસે રૂ. ૫૦ લાખના ૯ બીટકોઈન છે તે છોડાવવાના છે એવું કહી રૂ. ૫૯ લાખ પડાવ્યા હોવાનું બહાર આવતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ થઈ છે.
સાઈબર ક્રાઈમ વિભાગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સેટેલાઈટ વિસ્તારમાં આવેલા સ્પ્રિંગ પાર્ક, એપાર્ટમેન્ટમાં ઉદય જંયતીભાઈ ભટ્ટ (ઉ.વ. ૬૧) પરિવાર સાથે રહે છે. ઉદયભાઈ પહેલા ઈપીએફઓ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર તરીકે નોકરી કરતા હતા. વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં રોસેટી રોઝી નામની મહિલાની ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસટ આવી હતી. ઇંગ્લેન્ડ રહેતી રોઝીએ વૃદ્ધ સાથે મિત્રતા કરી હતી અને જાન્યુઆરી ૨૦૨૦માં ભારત આવવા જણાવ્યું હતું.
આ સમયે દિલ્હી કસ્ટમ અધિકારી તરીકે એક સ્ત્રીનો કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડથી રોઝી ૯ પ્રતિબંધિત બી કોઈન લાવી છે તેની કિંમત રૂ. ૫૦ લાખ છે. તેનો દંડ રૂ. ૪૯,૯૦૦ છે. રોઝીએ મદદ માટે કોલ કરતાં ઉદયભાઈએ રૂ. ૫૦ હજાર ભરી દીધા હતા. એ પછી પણ ઉદયભાઈ પાસે ફરી દિલ્હીના સર્ટી અને ઇન્કમટેક્ષના નામે રૂ. ૮૫ હજાર ભરાવ્યા હતા. દરમિયાનમાં ખુરાનાના નામે ફોન આવ્યો આમ કુલ રૂ. ૫૯ લાખથી વધુ રકમ ભરાવી દીધી અને ઉદયભાઈએ રોઝીની મદદ માટે ભરી દીધા બાદ છેતરપિંડી થયાની જાણ થતાં સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.