મુંબઇઃ પ્રાચીન વાયકાઓ મુજબ કોઈ રાજા વેશ પલટો કરીને પોતાના પંથકમાં ગરીબો કે જરૂરીયાતમંદ લોકોને વિવિધ પ્રકારની વસ્તુ કે નાણાનું દાન કરતા હતા. પરંતુ અત્યારના અત્યાધુનિક યુગમાં પણ આ પ્રકારની પરંપરા-પ્રવૃત્તિ ગુજરાતના એક રાજવીએ મુંબઇ જેવા શહેરમાં આગળ ધપાવી છે. ઉત્તર ગુજરાતના ઈડરના રાજા રાજેન્દ્રસિંહજી અહીંના હાજી અલી વિસ્તારમાંથી સાંજે નીકળે ત્યારે કેટલાક સિગ્નલ પર ગાડી ઊભી રહે ત્યારે હાથમાં સો રૂપિયાની નોટનું બંડલ રાખીને તેમાંથી નોટોનું ગરીબોને દાન કરે છે. મુંબઈના ભદ્ર વર્ગમાં મહારાજા રાજેન્દ્રસિંહજી ઈડર તરીકે જાણીતા છે.
આ મહારાજાની સખાવતી પ્રવૃત્તિને કારણે આ વિસ્તારમાંના ગરીબો તેમની ગાડીને પણ સારી રીતે ઓળખે છે, કેટલાક લોકો તો આ દાન લેવા માટે બીજા કામ પડતા મૂકીને અથવા મુલત્વી રાખીને આ સિગ્નલો પર ઊભા રહે છે અને મહારાજાની મર્સિડિઝ કારની રાહ જુએ છે. જોકે સો-સો રૂપિયાની નોટ આપતી વખતે મહારાજા ગાડીમાંથી બહાર નથી આવતા. એક વખતે એક મહિલાને તેના કોઈ સગાંની સારવાર માટે નાણાની જરૂર પડતાં રાજેન્દ્રસિંહજીએ એક પણ પ્રશ્ન પૂછ્યા વગર જરૂરી નાણાં દાનમાં આપ્યા હતા.