સુરતઃ રાજ્ય સરકારે પાટીદારોને ૧૦ ટકા આર્થિક અનામતની જાહેરાત કરતાની સાથે પાટીદારો દ્વારા તેનો વિરોધ કરાઇ રહ્યો છે. પાસની ઇબીસી નહીં પણ ઓબીસીમાં અનામતની માગ છે ત્યારે પાસના કન્વીનર હાર્દિક પટેલે સુરતની લાજપોર જેલમાંથી પત્ર લખીને આ અનામત અંગે સમાજની ઇચ્છા મુજબ અનામતની તરફેણ કરી હતી. તથા ૧૯૮૨ની વેદના ન ભૂલવાનો સંકેત પણ પત્રમાં કર્યો છે.
હાર્દિકે પત્રમાં લખ્યું કે, સમાજને ઇબીસી જોઇએ કે ઓબીસી એ હું નહીં સમાજ નક્કી કરશે. ઇબીસીની જોગવાઇ શું છે? તે પણ સમજવું પડશે. સમાજના ૧.૮૦ લાખ લોકો મક્કમ અવાજે ઓબીસી કહે તો ઓબીસી જ લઇશું, પણ સમાજ ઇબીસી કહે તો ઇબીસી. બસ સમાજ આ મુદ્દે તૂટવો જોઇએ નહીં. ૮૦% રાજકીય અને આપણા સમાજના લોકો સમાજને તોડવાના કામમાં લાગ્યા છે. સમાજે રાજકીય નજર સુધારવી પડશે. કોઇની વાતમાં આવી ભરમાશો નહીં. વર્ષ ૧૯૮૨ અને ૨૦૧૫ની વેદના ભૂલવા જેવી નથી. ૧૯૮૨ તથા ૨૦૧૫ના આંકડા સમજુ સમાજ માટે ઇશારો કાફી જેવા છે.


