અમદાવાદઃ જૂન, ૨૦૦૪માં ઈશરત જહાં સહિત જે ચારના ગુજરાત પોલીસ દ્વારા ફેક એન્કાઉન્ટર કરવામાં આવેલા તેમાંથી એક જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઈના પિતા ગોપીનાથ તેમના ભાઈ સાથે મેડિકલ ચેકઅપ કરાવી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે કેરળના અલપુઝઝા હાઈવે પર અકસ્માત નડયો હતો. ગોપીનાથ પિલ્લાઈના ભાઈ કાર ચલાવી રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી કાર સાથે અથડાતાં તેમની કાર ઉછળીને બીજી કારને ધડાકા સાથે અથડાઈ હતી. બેભાન હાલતમાં ગોપીનાથને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આખા શરીરમાં મલ્ટીપલ ફ્રેક્ચર અને અન્ય ગંભીર ઈજાઓના પરિણામે તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે તેમના ભાઈની હાલત ભયમુક્ત છે.

