અંબાજી મંદિરનું શિખર શ્રાવણ માસમાં જ સુવર્ણ જડિત બની જશે

Thursday 16th August 2018 01:31 EDT
 
 

અંબાજીઃ ભક્તિ, શક્તિ, પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમાન શક્તિપીઠ અંબાજી મંદિરનું શિખર ઓગસ્ટના પહેલા પખવાડિયામાં જ સંપૂર્ણ સુવર્ણમય બનાવાવનો નિર્ધાર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયો હતો. અંબાજી મંદિરના ૬૧ ફિટના શિખરને સુવર્ણમય બનાવવા માટે કુલ ૧૪૦ કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવશે. અલબત્ત, આ સુવર્ણ શિખરનું લોકાર્પણ ક્યારે કરવું તેના અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૦-૧૧માં જગપ્રસિદ્ધ અંબાજી મંદિરના શિખરને સુવર્ણથી મઢવાની જાહેરાત કરાતાં જ દેશ-વિદેશમાં વસતા માઇભક્તોએ સોનાના દાનનો ધોધ વહેડાવ્યો હતો. કુલ ૧૦૮ ફિટની ઊંચાઇ ધરાવતા અંબાજી મંદિરના શિખરમાંથી ૬૧ ફિટને સુવર્ણથી મઢવામાં આવ્યું છે. ૨૦૧૨ના વર્ષમાં મંદિરના શિખરને સુવર્ણમય બનાવવા આવતા દાન માટે અલગથી બેંક એકાઉન્ટ પણ શરૂ કરવામાં આવ્યું હતું.
અગાઉ ઓગસ્ટ મહિનાના પ્રારંભે જ મંદિરના શિખરને સંપૂર્ણ સુવર્ણમય બનાવવાનું આયોજન હતું, પરંતુ વરસાદને પગલે તેમાં સાધારણ વિલંબ સર્જાયો છે. અંબાજી મંદિરમાં ૩૫૮ સુવર્ણ કળશ પણ મૂકવામાં આવ્યા છે. ભવિષ્યમાં આબોહવાની અસરને પગલે સુવર્ણનો ચળકાટ ઝાંખો પડે નહીં માટે પારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તાંબાના પતરા પર દેશી પારા પદ્ધતિથી સોનું શિખરની મૂળ ડિઝાઇન મુજબ એમ્બોઝ કરી તેના પર દેશી પારા પદ્ધતિથી સુવર્ણ મઢીને ફિટિંગ કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter