પાલનપુર: લોકડાઉન પાંચમાં ધાર્મિક સ્થાનો પણ અનલોક કરવાની ગતિવિધિઓ શરૂ થઈ છે ત્યારે એક અહેવાલ એવા છે કે અંબાજી મંદિરમાં પાછલા બે મહિનામાં માત્ર રૂ. અઢી લાખ રૂપિયાનું જ દાન પ્રાપ્ત થયું છે. અંબાજી મંદિર બે મહિનાથી ભક્તોના દર્શન માટે સંપૂર્ણ બંધ હોવા છતાં સવાર-સાંજ નિયમિત પૂજા વિધિ, હોમ હવન, રાજભોગ અને આરતી થાય છે. મંદિરને ઓનલાઇન દાન લોકડાઉન દરમિયાન માત્ર રૂ. ૨.૫૧ લાખ મળ્યું હોવાના અહેવાલ છે. આખું અંબાજી નગર માત્ર મંદિર ઉપર નિર્ભર છે. કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી મંદિરને હાલમાં કોઇપણ પ્રકારની દાન કે અન્ય આવક થતી નથી.
દાનની આવકમાં ઘટાડો
૬૦ દિવસમાં માત્ર ૨ લાખ ૫૧ હજાર જેટલું દાન જ દાતા દ્વારા લોકડાઉન દરમિયાન પ્રાપ્ત થયું છે. તેની સામે દર મહિને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ ૧૫૦ કર્મીઓના પગાર પાછળ રૂ. ૪૦ લાખ, હોસ્પિટલ ખર્ચ રૂ. ૧૦ લાખ, સિક્યુરિટી ખર્ચ રૂ. ૩૦ લાખ, શાળા કોલેજ પગાર ખર્ચ રૂ. ૧૦ લાખ અન્ય પરચૂરણ ખર્ચ એક લાખ મળી બે મહિનાના રૂ. ૧ કરોડ ૮૦ લાખ જેટલો અત્યંત જરૂરી નિભાવ ખર્ચ કરવો પડી રહ્યો છે. આ અંગેની વિગતો આપતા શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, અંબાજી મંદિર બે મહિનાથી બંધ હોવાથી મંદિર ટ્રસ્ટને દાન-ભેટ નીચે આવક પ્રાપ્ત થાય છે તે મળી શકી નથી. સરેરાશ મહિને રૂ. ૫ કરોડ જેટલું દાન જુદી જુદી રીતે આવે છે તે મુજબ અંદાજિત રૂ. ૧૦ કરોડ જેટલું નુકસાન દેવસ્થાન ટ્રસ્ટને લોકડાઉનથી થયું છે.