અંબાજીમાં છ વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારી

Thursday 10th September 2015 05:45 EDT
 
 

અંબાજીઃ દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજીમાં મહામેળાનું આયોજન થાય છે. આ મેળાને યાદગાર બનાવવા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ આયોજન થઇ રહ્યા છે. આ વખતે વિશિષ્ટરૂપે મંદિરમાં વિવિધ છ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પ્રસાદ તરીકે ભક્તોને વહેંચવા માટે વિશ્વમાં સૌથી મોટો લાડવો બનાવવાશે, સતત ૭ દિવસ સુધી સુગંધ પ્રસરાવતી સૌથી મોટી અગરબત્તીનું નિર્માણ કરાશે અને સૌથી મોટી ધજા સહિત એકસાથે છ વર્લ્ડ રેકોર્ડની નોંધણી થઇ શકે તે માટેની સંભાવના વિચારાધીન છે.

ભાદરવી પૂનમનો મેળો ૨૨થી ૨૮ સપ્ટેમ્બર સુધી યોજાશે, જેમાં મેળામાં સિલ્કના કાપડમાંથી ૧૫૦૦ ફુટ લાંબી અને ૯ ફુટ ઊંચી ‘જય માતાજી’ લખેલી ધજા બનાવવામાં આવશે. ૬૧ ફુટ લંબાઈવાળી સુગંધિત અગરબત્તી બનાવવાની વિચારણા થઈ રહી છે. ૧૧,૧૧૧ કિલોનો બુંદીનો એક મોટો લાડુ પણ બનાવાશે. આ ઉપરાંત એક દિવસમાં એક લાખ ભક્તો દર્શન કરવાનો, એક દિવસમાં એક લાખ શ્રીફળ વધેરવાનો અને મંદિરમાં મહાઆરતીનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પણ વિચારણા થઈ રહી છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટર ઘનશ્યામ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, ‘આ અંગે સરકારમાંથી મંજૂરી લેવા સહિતનાં ઘણાં મુદ્દા પર વિચારણા થઇ રહી છે. આ ઉપરાંત સરકારમાંથી જરૂરી મંજૂરી પણ લેવામાં આવશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter