અંબાજીમાં બે વર્ષમાં રૂ. ૯૩ કરોડની આવક

Monday 16th March 2015 12:22 EDT
 
 

ગાંધીનગર: ઉત્તર ગુજરાતના તીર્થધામ અંબાજીમાં ભક્તો દ્વારા સતત દાનની સરવાણી વહેતી રહી છે. ભક્તોએ છેલ્લાં બે વર્ષમાં જ માતાજીના ચરણે રૂ. ૯૩.૦૨ કરોડની ભેટ ધરી હતી. ભક્તોએ ભેટ ધરેલા સોનાથી માતાજીના મંદિરનાં શિખરોને પણ સુવર્ણજડિત કરવાનું કામ પણ પૂરજોશમાં થઇ રહ્યું છે. વિધાનસભા ગૃહમાં પાલનપુરના ધારાસભ્ય મહેશકુમાર પટેલના પ્રશ્નના જવાબમાં યાત્રાધામ વિકાસ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સંચાલિત બનાસકાંઠા જિલ્લાના શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી મંદિરને વર્ષ ૨૦૧૨-૧૩માં રૂ.૪૮.૮૪ કરોડ અને અને વર્ષ ૨૦૧૩-૧૪માં રૂ.૪૪.૨૭ કરોડની આવક થઇ હતી આમ આ બે વર્ષમાં કુલ રૂ. ૯૩.૦૨ કરોડથી વધુ આવક થઇ હતી. ટ્રસ્ટને થયેલી આ આવકમાં માતાજીની ગાદી ઉપરની થતી ભેટની આવકમાંથી રાજભોગના રસોડા વગેરે ખર્ચ બાદ કરીને ચોખ્ખી રહેતી બાકીની રકમમાંથી ૨૫ ટકા મુજબ થતી રકમ પૂજારીઓને વેતન-હિસ્સા તરીકે ચૂકવવાય છે. કોંગ્રેસના સભ્યોએ દાનની રકમમાંથી વિકાસ કામો કરવાના મુદ્દે સરકારને સૂચનો કર્યાં હતાં. જ્યારે પ્રદીપસિંહ જાડેજાએ વળતા જવાબમાં કહ્યું હતું કે, અંબાજીમાં વિકાસ કામો થઇ રહ્યાં છે. ૧૦૦ બેડની હોસ્પિટલ બની રહી છે. અહીં રૂ. ૨૫૦ કરોડના ખર્ચે વિકાસ અને લોકોપયોગી કામો કરવાનું આયોજન છે. આ ઉપરાંત એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શન થઇ શકે તે માટે ગબ્બર પર કરોડો રૂપિયાના ખર્ચે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter