અંબાજીમાં હવે માતાજીને ચઢતી ધજામાંથી વિવિધ વસ્તુ બનાવાશે

Wednesday 21st August 2019 09:32 EDT
 
 

પાલનપુરઃ અંબાજી જનાર માઇભક્તો હવે માતાજીને ચઢતી ધજાની કાયમી યાદગીરી ઘરમાં સાચવી શકાશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ધજામાંથી ફોલ્ડર ફાઈલ, માઈક્રો સ્ટેન્ડ સાથેની ધજા, તોરણ, છાબ સહિત ચીજવસ્તુ બનાવાશે. અંબાજીમાં હવે માતાજીને ચઢતી ધજા કાયમી ઘરમાં સાચવી શકાય એ માટે અહીંની વનવાસી બહેનો પાસે નંદનવન સંસ્થા દ્વારા જુદી જુદી ચીજ વસ્તુઓ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ધજાનું કાપડ આસ્થા સાથે જોડાયેલું હોય પવિત્રતા સચવાય તે રીતે જુદી જુદી ચીજવસ્તુઓ બનશે.
અંબાજીમાં શિખર પર ધજા ચઢાવવાનું મહત્ત્વ છે. ભાદરવી પૂનમે લાખો માઇભકતોમાં અંબાને શ્રદ્ધા સાથે ધજા ચઢાવે છે. અગાઉ આ ધજા જે ભેગી થતી હતી તે પવિત્ર નદીઓમાં ભેટ ધરાવવામાં આવતી હતી. બાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચડાવવામાં આવેલી ધજા પગપાળા યાત્રિકોને વિનામૂલ્યે આપવા માટે મેળા દરમિયાન ચાચર ચોકમાં રાખવામાં આવે છે. જોકે આ વર્ષથી ધજાનું કાપડ આસ્થા સાથે જોડાયેલું હોય તેની પવિત્રતા સચવાય તે રીતે જુદી જુદી ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે.
મા અંબાને દરવર્ષે ૫ હજારથી વધુ નાની મોટી ધજાઓ ચઢાવવામાં આવે છે
એક અંદાજ મુજબ મા અંબાને દર વર્ષે ૫ હજારથી વધુ નાની મોટી ધજાઓ ચઢાવવામાં આવે છે. આસ્થાના પ્રતીક સમાન અંબાજીમાં ધજાનું મહત્ત્વ જોઈ અગાઉ મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને ભેટ સોગાદ રૂપે આપવાનું આયોજન હાથ ધર્યું હતું જોકે મંદિર ટ્રસ્ટના ધ્યાનમાં આવ્યું કે કેટલાક વેપારીઓ ધજાના પવિત્ર વસ્ત્રોનો બાંધવામાં ઉપયોગ કરી રહ્યા છે. જેને લઈ કોઈની આસ્થા ને ઠેસ ન પહોંચે તે માટે આ યુનિક પ્લાન અમલી બનાવ્યો છે જેને યાત્રિકોમાં સારો પ્રતિસાદ મળશે તેવી દેવસ્થાન ટ્રસ્ટને વિશ્વાસ છે.
વનવાસી બહેનો પગભર થાય તે હેતુથી આ નિર્ણય લેવાયો
નંદનવન સંસ્થાના કન્વિનર દક્ષાબહેને જણાવ્યું હતું કે માતાજીના ધામમાં ચડતી ધજાઓ વિનામૂલ્યે દર્શનાર્થીઓને અપાય છે. અમે વનવાસી બહેનો પગભર થાય તે હેતુથી ધજાના કાપડમાંથી ફોલ્ડર ફાઈલ, માઈક્રો સ્ટેન્ડ સાથેની ધજા, તોરણ, છાબ સહિતની ચીજ વસ્તુઓ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter