ઈવીએમમાં દલિત નેતા મેવાણીના નિશાન સામે એરો કરતાં વિવાદ

Wednesday 20th December 2017 05:45 EST
 
 

પાલનપુરઃ ૧૪મી નવેમ્બરે વડગામ તાલુકાના છનિયાણા ગામમાં બન્ને વોટબૂથમાં ઇવીએમ સાથે છેડછાડ કરાતાં લોકોએ મતદાન બંધ કરાવ્યું હતું. ગામના બૂથ નં. ૧ અને ૨માં ઇવીએમમાં બપોરે કોઇ માણસે પેનથી અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીના નિશાન સામે એરો કર્યો હતો. આ અંગે જાણ થતાં લોકો મતદાન મથકે દોડી આવ્યા હતા અને બૂથમાં બેઠેલા અધિકારીએ મતદાન અટકાવી દીધું હતું. આ અંગેની જાણ થતાં ઉમેદવારોની ભીડ જામી હતી.
વહીવટી તંત્રએ અંતે મામલો થાળે પાડવા મથામણ કરી હતી. મોડે સુધી ગામના લોકો દ્વારા ઝોનલ ઓફિસરને ઘેરી લઇને મતદાન બંધ કરીને નવેસરથી મતદાન માટેની માગણી કરવામાં આવી હતી. ઉમેદવાર દ્વારા પણ લેખિતમાં રજૂઆત કરીને મતદાન બંધ કરવા તેમજ વોટને રદબાતલ ગણીને નવેસરથી છનિયાણા ગામમાં વોટિંગ કરાવવા માટેની માગ કરવામાં આવી હતી. એ પછી વડગામ બેઠક પરથી અપક્ષ વિજેતા બનેલા જિજ્ઞેશ મેવાણીએ પોતે રવિવારે મતદાન મથકની ફેરમતદાન પ્રક્રિયા વખતે મુલાકાત લીધી હતી.
‘ભાજપ એફિલ ટાવરેથી કૂદે તોય ૮૦થી વધુ સીટ નહીં’
 મેવાણીએ રવિવારે જણાવ્યું કે ૮થી ૧૦ મથક પર મશીનો બંધ થઈ ગયાં હતાં. ૩ કલાક સુધી મતદાન થઈ શક્યું નહીં. અહીંનું બૂથ સેન્સિટિવ છે. કાર્યકારોએ અહીં હંગામો કર્યો હતો. ૬ જણાએ અહીં ચૂંટણી રોકવાની કોશિશ કરી હતી.
જિજ્ઞેશ મેવાણીએ ત્યાં એવું નિવેદન આપ્યું હતું કે, ભાજપ એફિલ ટાવર ઉપરથી જમ્પ લગાવે તોય ૮૦થી વધુ સીટ નહીં મળે.જોકે રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ૧૮૨માંથી ૯૯ સીટ સાથે વિજય થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter