કાષ્ટકળાની ઉત્તમ ઈમારતોને ન તોડવાની અરજી

Wednesday 07th August 2019 07:35 EDT
 
 

સિદ્ધપુર: બનાસકાંઠા અને વિભાજન બાદ પાટણ જિલ્લામાં ભળેલું સિદ્ધપુર એક ઐતિહાસિક નગર છે. વિકાસને પગલે અહીંની ઐતિહાસિક ઈમારતને નાશ થઈ રહ્યો છે. તેમાં પણ વોરા સમાજના કાષ્ટકળાથી બનાવાયેલા સદી વટાવી ચૂકેલા મકાનોને તોડીને વેચવામાં આવી રહ્યા છે. વોરા સમાજના ધર્મગુરુએ મકાનો તોડવા મનાઈ ફરમાવી હોવા છતાં સમાજના જ કેટલાક લોકો તેને અવગણીને કમાણી કરવા મકાનોને તોડી રહ્યા છે.
વોરા સમાજના ધર્મગુરુએ ઈમારતોની હિફાજત કરવાની અને વારસાને સાચવવાની હાકલ કરી છે. કાષ્ટકળાના બેનમૂન નમૂનાને તોડીને નાંખીને કાટમાળમાં ફેરવીને તેનો વેપાર કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. રાજસ્થાનના વેપારીઓએ સિદ્ધપુરના કાષ્ટકળાના કાટમાળને રૂ. ૭૦ લાખ સુધીની રકમ ચૂકવી ખરીદ્યો છે. જેને જયપુર સહિતના શહેરોમાં લઈ જઈને કૃતિઓ પર એલિવેશન બનાવીને વિદેશમાં વેચીને કરોડોની કમાણી કરે છે. એલિવેટેડ વસ્તુઓ રૂ. ચારેક કરોડમાં વેચાતી હોવાનું જાણવા મળે છે.
રોમન ઈટાલિક શૈલીની ઈમારતો
રોમન અને ઈટાલિક શૈલીના ઐતિહાસિક મકાનો ૧૫૦ વર્ષ આસપાસના ગાળામાં સિદ્ધપુરમાં નિર્માણ પામ્યા હતા. તેને બનાવવા વિદેશથી વહાણોમાં સાગનું લાકડું લાવવામાં આવ્યું હતું. અને તેને તે સમયના રૂ. ૩૦ હજારના ખર્ચે બાંધવામાં આવ્યા હતા. અહીંના વાઘ શેઠનો બંગલો અને ૩૬૦ બારી-બારણાવાળી ઈમારત કાષ્ટકળાનો ઉત્તમ નમૂનો મનાય છે. તે સમયે આવી ઈમારતો ખાસ પ્રકારના પથ્થરો અને લાકડાથી બંધાતી હતી. તેમજ તેના બારી અને બારણાઓ પર વિવિધ પ્રકારની કોતરણી કરાતી હતી. અત્યાર ગણ્યાગાંઠ્યા જ કાષ્ટકળાના કારીગરો બચ્યા છે.
સીલ કરવા વિનંતી
મોટી કમાણી કરવાની લાલચે અમદાવાદની પોળોની હેરિટેજ ઈમારતોને નુકસાન કરાતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી હતી. ત્યારે સિદ્ધપુરમાં પણ ઐતિહાસિક ઈમારતોને તોડીને નવા બિલ્ડિંગ ઊભી કરવાની ચાલતી પ્રવૃતિ સામે તંત્ર પગલાં લે તેવી અરજી કરવામાં આવી છે.
ફિલ્મોમાં કંડારાયું અને પ્રવાસીઓએ વખાણ્યું
ઉલ્લેખનીય છે કે શાહરુખની ફિલ્મ ‘રઈસ’માં પણ વ્હોરવાડની ઈમારતો દેખાઈ છે. આ ઉપરાંત બાહુબલી ફેઈમ રાજમૌલીની આવનાર ફિલ્મ ‘ત્રિપલ આર’નું શૂટિંગ અહીં થયું છે. અહીં મુલાકાતે આવતા વિદેશી સહેલાણીઓ કાષ્ટકળામાં બનેલા મકાનોની તુલના રોમ અને ઈટાલીના મકાનો સાથે કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter