કેન્દ્રીય પ્રધાન હરિ ચૌધરી મુંબઈ ભેગાઃ વિપુલ ઠક્કર વિદેશમાં

Wednesday 28th November 2018 06:23 EST
 

ગાંધીનગરઃ ભારત સરકારમાં ખાણ રાજ્ય પ્રધાન અને બનાસકાંઠાથી ભાજપના સાંસદ હરિભાઈ ચૌધરી પાલનપુર પાસે પોતાના ગામ જગાણાથી ઈનોવા કાર લઈને મુંબઈ ભેગા થઈ ગયાના અહેવાલ હતા. તેમને રૂ. બે કરોડની લાંચ આપનારા રાજ્યના મત્સોદ્યોગ રાજ્ય પ્રધાન પરસોત્તમ સોલંકીના અધિક અંગત મદદનીશ વિપુલ ઠક્કર વિદેશમાં હોવાનું બહાર આવ્યું છે.
હૈદરાબાદના માંસના નિકાસકર્તા વેપારી સામે ચાલી રહેલા કેસમાં સીબીઆઈ તપાસને ટાઢી પાડવા રૂ. બે કરોડના લાંચ પ્રકરણમાં હરિભાઈ ચૌધરીનું નામ ઉછળ્યું હતું. સીબીઆઈ ઓફિસરે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં કરેલી પીટિશનમાં મટન નિકાસકર્તા સામેના કેસમાં ચાલી રહેલી તપાસને ઢીલી કરવા હરિભાઈ ચૌધરીને અમદાવાદના વિપુલ મારફતે કરોડોના લાંચ આપ્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. સોમવારે આ હકીકત બહાર આવી ત્યારથી હરિભાઈ પાલનપુર નજીક આવેલા જગાણા ગામના બંગલામાં હતા. એ પછી તેઓ જગાણાથી જમીન માર્ગે સીધા જ મુંબઈ જતા રહ્યા હોવાની ચર્ચા છે.
સામાન્ય ધારાસભ્ય પણ મુબંઈ જવા કારનો ઉપયોગ કરતા નથી ત્યારે બપોરે દોઢેક વાગ્યા દરમિયાન પોલીસ પાઈલોટિંગ અને સરકારી કાર લઈને મુંબઈની વાટ પકડી હોવાનું કહેવાય છે. મુંબઈમાં બોરીવલીમાં રહેતા પુત્ર જિતેન્દ્રના ઘરે મોડી રાતે પહોંચી ગયાના પણ સમાચાર હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter