કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કેસમાં પેપ્સીકો ખેડૂતો સાથે કોર્ટ બહાર સમાધાન માટે તૈયાર

Wednesday 01st May 2019 07:30 EDT
 

હિંમતનગર: અમેરિકાની પેપ્સીકો કંપનીએ ગુજરાતમાં બટાટાની ખેતી કરતા ૪ ખેડૂતો સામે કમર્શિયલ કોર્ટમાં રૂ. ૧-૧ કરોડનું વળતર મેળવવા દાવા કર્યા હતા. આ કેસની ૨૬મીએ હાથ ધરાયેલી સુનાવણીમાં કંપનીએ ખેડૂતો સાથે કોર્ટ બહાર સમાધાન માટે ઓફર મૂકી હતી. જોકે ખેડૂતોએ સમાધાન માટે સમય માગતા કોર્ટે વધુ સુનાવણી ૧૨ જૂનના રોજ રાખી છે. પેપ્સીકોએ ખેડૂતો સામે શરત મૂકી હતી કે, ખેડૂતો કંપની પાસેથી બટાટાનું બિયારણ ખરીદે અને કંપનીને જ બટાટા વેચે તો તેમની સામેના કેસ પાછા ખેંચી લઈએ. પેપ્સીકોએ જણાવ્યું કે તે ખેડૂતો કંપનીના પ્રોગ્રામમાં જોડાવા ઇચ્છે છે.
અરવલ્લી જિલ્લામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી કરાતા બટાટાના વાવેતરમાં પેટન્ટને આધાર બનાવી પેપ્સીકો કંપનીએ ખેડૂતો સામે દાવો કર્યો હતો. વડાલી તાલુકાના ૪ ખેડૂતો સામે પ્રત્યેક પર રૂ. ૧.૦૫ કરોડના વળતરનો દાવો થતાં ખેડૂત સંગઠનોએ આ મામલામાં સરકારની દખલગીરીની માગ કરી છે.
૧૮ હજાર હેકટરમાં વાવેતર
અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૦૮માં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાટાનું વાવેતર શરૂ થયું હતું. સાબરકાંઠામાં ૯ હજાર હેક્ટર અને અરવલ્લીમાં ૨૧ હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર થાય છે તેમાંથી ૧૮ હજારથી વધુ હેક્ટરમાં અંદાજે ૧૫ હજાર ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં બટાટા વાવે છે. બંને જિલ્લામાં મેકેન, પેપ્સીકો, વિરાજ, હાઇફન, ઇસ્કોન બાલાજી સહિતની કંપનીઓ સક્રિય છે અને ૬૦થી વધુ કોલ્ડ સ્ટોરેજ છે.
નાના બટાકા કંપની લેતી નથી
દર વર્ષે બટાટાનું ઉત્પાદન થયા બાદ કંપનીઓ ૪૫ એમએમથી નાના બટાટાની ખરીદી કરતી નથી. ખેડૂત તેને વેચી પણ શકતો નથી જે કુલ ઉત્પાદનના ૧૫થી ૨૦ ટકાના પ્રમાણમાં હોય છે. આ નાના બટાકાનું ખેડૂત વાવેતર કરે છે અથવા અન્યને આપે છે ખેડૂત પાસે અન્ય વિકલ્પ ઉપલબ્ધ નથી.
હજારો પગભર થયા
કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ગુજરાત દેશમાં હબ બનવા જઈ રહ્યું છે જ્યારે ખાવાના બટાકાના પોષણક્ષમ ભાવો નથી ત્યારે ખાનગી કંપનીઓ કિલોના રૂ. ૧૦થી ૧૨ના ભાવે બટાટા ખરીદી લે છે. જેથી ૧૧ હજારથી વધુ ખેડૂતો પગભર થયા છે.
જોકે પેપ્સીકો કંપનીના એફ સી-૫ જાતના બટાકા અન્ય કંપનીએ ખેડૂત પાસે વાવેતર કરાવતાં અને બટાકાનું ઉત્પાદન થયા પછી સમગ્ર મામલો પેપ્સીકો કંપનીના ધ્યાનમાં આવ્યો હતો અને ખેડૂતો સામે કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter