જેક્સન / મહેસાણાઃ મહેસાણા તાલુકાના આખજ ગામના પાટીદાર અગ્રણી અને છેલ્લા ત્રણ દસકાથી અમેરિકામાં સ્થાયી થયેલા સુરેશભાઇ પટેલની ટેનેસીમાં ગોળી મારીને હત્યા કરાતા ભારતીય સમુદાયમાં શોકની સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવાર દ્વારા અમેરિકાના ટેનેસી સ્ટેટના જેક્સન શહેરમાં સપ્તાહ પૂર્વે જ સ્ટોર શરૂ કરાયો હતો. વધુ આઘાતજનક બાબત તો એ છે કે સ્ટોરમાં લૂંટના ઈરાદે માસ્ક પહેરી ઘુસેલા શખસે વેપારીની 19 વર્ષીય દીકરીની નજર સામે જ ગોળી ચલાવીને તેમનો જીવ લઇ લીધો હતો. આ નૃસંશ હત્યાના સમાચાર મળતાં જ વતનમાં વસતાં કુટુંબીજનો સહિત આખજ ગામ ખાતે શોકનું વાતાવરણ સર્જાયું હતું.
મહેસાણા તાલુકાના આખજ ગામના 55 વર્ષીય સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલ છેલ્લા 30 વર્ષથી યુએસમાં પરિવાર સાથે સ્થાયી થયા છે. આ પાટીદાર અગ્રણીએ ટેનેસી સ્ટેટના જેક્સનમાં સપ્તાહ પૂર્વે જ સ્ટોર શરૂ કર્યો હતો. બનાવના સમયે તેઓ તેમની દીકરી સાથે સવારે સ્ટોરમાં હાજર હતા. દરમિયાન એક બુકાનીધારી સ્ટોરમાં લૂંટના ઈરાદે ધસી આવ્યો હતો. જોકે આવા હુમલાખોરોના આક્રમક સ્વભાવથી વાકેફ સુરેશભાઈ પટેલે તેનો કોઇ વિરોધ કર્યો ન હતો અને લૂંટ કરવા દીધી હતી. આરોપી બુકાનીધારીએ લૂંટને અંજામ આપ્યા બાદ સ્ટોરમાંથી બહાર નીકળતી વેળા આડેધડ ગોળીઓ છોડી હતી. જેમાં સુરેશભાઈ પટેલ 19 વર્ષની દીકરીની નજર સામે જ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડયા હતા. ગંભીર ઈજાના કારણે વધુ પડતું લોહી વહી જવાથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આખજ ગામના લોકોના જણાવ્યા અનુસાર પાટીદાર અગ્રણી સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલ પાછલા 30 વર્ષથી તેમના અન્ય ભાઈઓ સહિત સમગ્ર પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા.


