ત્રણ વર્ષની મહામંદી પછી બટાટાબજારમાં તેજીના એંધાણ

Thursday 23rd November 2017 00:47 EST
 
 

ડીસાઃ ગુજરાત સહિત બટાટા પકવતા રાજ્યોમાં શિયાળાના આરંભે જ ભારે ગરમી પડી રહી હતી. તેથી બટાટાના વાવેતરમાં અસહ્ય વિલંબ થઈ રહ્યો હતો. કાચા બટાટા વાવનાર પંજાબ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ માંડ ૫૦ ટકા વાવેતર થયું હતું. બીજી બાજુ, દૂધ અને તેની બનાવટોની જાયન્ટ કંપનીની અમૂલે પણ બટાટાના ધંધામાં ઝંપલાવ્યું છે. તેથી કોલ્ડ સ્ટોરેજોમાં પડેલા બટાટાના ભાવ વધાની આશાનું કિરણ ફૂટ્યું હતું.
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન થાય છે પરંતુ બટાટાના ભાવમાં છેલ્લા ત્રણ વર્ષની મહામંદી પ્રવર્તી રહી છે. જેથી દેવામાં ડૂબેલા કેટલાક વેપારીઓ અને ખેડૂતોના આપઘાતના બનાવો પણ બન્યાં છે. એટલું જ નહીં, સમગ્ર જિલ્લાનું અર્થતંત્ર ડખળવખળ થઈ ગયું છે. ત્યારે રાજ્ય સરકારે મોડે મોડે બટાટાની અન્ય રાજ્યોમાં નિકાસ કરવા ભાડામાં કટ્ટા દીઠ એક રૂપિયાની સબસીડી જાહેર કરી છે. તેથી કોલ્ડ સ્ટોરેજોમાં પડેલા થોડા ઘણા બટાટાનો નિકાલ થઈ રહ્યો છે. પરંતુ એક માત્ર બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસાની વાત કરીએ તો ઓક્ટોબર અડધો થયો હતો ત્યારે ડીસાના કોલ્ડ સ્ટેરોજોમાં હજુ પણ ૬૦ લાખ કટ્ટા સંગ્રહેલા પડ્યા છે અને હવે બટાટા વાવેતરની સિઝન શરૂ થઈ ગઈ છે. તેથી ખેડૂતો અને વેપારીઓ બટાટાને લઈને સારા સારો સમયની રાહમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter