ત્રિપલ ‘પી’ના મંત્રથી અરવલ્લીની આદિવાસી બહેનો બની આત્મનિર્ભર

Wednesday 16th September 2020 07:53 EDT
 
 

મોડાસા: વિશ્વભર સંક્રમણકાળમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે આયુર્વેદિક ઉપચાર સર્વશ્રેષ્ઠ હોવાની ભારતના આયુષ મંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. એન્ટીઓક્સિડેન્ટ તત્ત્વોથી ભરપૂર હળદર તે પૈકી એક છે. હળદરની ખેતી અને તેના વેચાણથી અરવલ્લીની આદિવાસી બહેનો મહિને પાંચ હજારથી વધુ કમાણી કરીને પ્રોડકશન, પ્રોસેસિંગ અને પેકેજીંગના ત્રિપલ ‘પી’ના મંત્રથી આત્મનિર્ભર બની છે.
અરવલ્લીની આદિવાસી બહેનો જમીનના નાના ટુકડાઓમાં દેશી (આર્ગેનિક) હળદર અને દેશી આદુની ખેતી કરીને આર્થિક રીતે પગભર બની છે. અગાઉ આદિવાસી બહેનો ખેતરમાં હળદર અને આદુની ખેતી કરીને બજારમાં છુટક વેચાણ કરીને પૈસા મેળવી લેતી હતી, પરંતુ ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ સખીમંડળનું નિર્માણ કરીને આ બહેનોએ લોકલ બ્રાન્ડને બેસ્ટ સેલિંગ બ્રાન્ડ બનાવી છે. ભિલોડા અને મેઘરજ તાલુકાના બહુધા આદિજાતિ વસતી ધરાવતી બહેનો પહેલાં ધાન્ય અને ઘાસચારાનું વાવેતર કરી પશુપાલન પર નિર્ભર રહેતી હતી, પરંતુ સખીમંડળ દ્વારા બહેનોએ બજારમાં માગ વધારે હોય તેવા ઔષધિય પાકનું વાવેતર શરૂ કર્યું જેમાં આર્ગેનિક હળદર મુખ્ય પાક છે. આ બહેનો દ્વારા પકાવવામાં આવતી લીલી હળદરનો ભાવ ૫૦ રૂપિયે કિલોનો હોય તો પણ તરત જ તે બજારમાં વેચાઈ જાય છે. વેચાણ સિવાયની વધતી હળદરને બહેનો જાતે પ્રોસેસિંગ કરીને પ્રોડક્ટને બજારમાં રૂ. ૨૫૦ના કિલોના ભાવે વેચાણ અર્થે મૂકે છે. તેની માગ પણ વધારે રહે છે. આ અંગે લુસડીયા ગામની સખીમંડળની પ્રમુખ તારાબહેન સુવેરા જણાવે છે કે અગાઉ અમે હળદરને બજારમાં ખુલ્લી વેચાણ કરી દેતા હતા. તેમાંથી જે પૈસા આવે તે ઘરખર્ચમાં ઉપયોગ કરતા, પરંતુ અમે સખીમંડળમાં જોડાતાં લીલી હળદર તેમજ સૂકી હળદરને પ્રોસેસિંગ કરી વેચતાં ભાવ પણ ઉંચો મળવા લાગ્યો તેમજ જે આવક મળે તેમાંથી અમારા બચતખાતામાં પણ પૈસાનો વધારો થયો.
આ બહેનો કહે છે કે, અમે આદિજાતિ વિભાગની યોજનાથી ગરમ મસાલા પ્રોસેસિંગ અને પેકેજિંગનું મશીન પણ વસાવી જાતે જ પેકિંગ કરીએ છીએ. જેથી સખીમંડળ દ્વારા બનાવવામાં આવેલી હળદરના બ્રાન્ડની માગ વધારે રહે છે. આત્મનિર્ભર બનેલી તારાબહેનના સખીમંડળની બહેનો કહે છે કે, અંદાજે એક હેકટર જમીનમાં આદુ અને હળદરની ખેતી કરી લગભગ ૨૦૦થી વધુ પરિવારોની આજીવિકા ચાલે છે. જેમાં પાંચથી વધારે સખીમંડળની ૭૦થી વધુ બહેનો જોડાયેલી છે. અમે મહિને રૂ. ૧૦ હજાર અને શિયાળાના ચારમાસના ગાળામાં રૂ. ૫૦ હજારથી વધારે કમાણી કરીએ છીએ.
તારાબહેન કહે છે કે, અહીંના આદુની માગ પણ સારી એવી રહેતી હોવાછી બહેનોએ હવે આદુની પેસ્ટ બનાવી બજારમાં વેચાણ અર્થે મૂકી છે. તેની માગ પણ વધતા હવે અમે આસપાસના વિસ્તારમાં નાના પાયે આદુની ખેતી કરતા ખેડૂતો પાસેથી આદુનું કલેકશન કરી તેનું પ્રોસેસિંગ કરી બજારમાં વેચાણ કરીએ છીએ જેનાથી ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહે છે અને સખીમંડળની બહેનોને પણ ફાયદો થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter