દલિત સગીર પર હુમલામાં બે આરોપીના રિમાન્ડઃ પીડિતને રૂ. ૨ લાખની સહાય

Wednesday 20th June 2018 09:15 EDT
 
 

મહેસાણાઃ બહુચરાજીમાં માંડલના વિઠલાપુરના દલિત કિશોરને ‘તું દરબાર જેવી મોજડી અને ગળામાં ચેન પહેરી દરબાર હોવાની કેમ ઓળખ આપે છે?’ તેમ કહીને બાઇક પર અપહરણ કરી બહુચરાજી હાઇવે પર તેને માર મારતો વીડિયો તાજેતરમાં વાયરલ કરાયો હતો આ વીડિયો બાદ પોલીસે વીડિયો ઉતારનાર અને વાયરલ કરનાર યુવકોની તપાસ આદરતાં ૧૬મી જૂને પોલીસના ભયથી એંદલા ગામના જયદિપસિંહ ઉર્ફે જયલો બનેસંગ હરિસંગ ઝાલા તેમજ મોબાઇલધારક અને વીડિયો વાયરલ કરનાર ચેહરસંગ ઉર્ફે ભયલુ સોનસંગ બાલસંગ ઠાકોર પોલીસ અધિક્ષકની કચેરીએ હાજર થયા હતા. પોલીસે ૧૬મીએ ધરપકડ કરીને તેમના ૪ દિવસના રિમાન્ડની મંજૂરી લઇ પૂછપરછ હાથ ધરી છે.
આ કેસમાં એંદલા ગામના ભરતસિંહ દરબાર અને વિઠલાપુરના યોગેશ્વરસિંહ ઉર્ફે ગોવિંદ કુબેરભા દરબાર નામના બે યુવકોને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
પીડિતને કુલ રૂ. ૨ લાખની સહાય
મહેસાણા કલેક્ટર એચ. કે. પટેલે પીડિત યુવકને રૂ. ૫૦ હજારનો સહાયનો ચેક ૧૬મીએ આપ્યો હતો. સામાજિક ન્યાય અધિકારિતા ગુજરાત રાજ્ય તરફથી આ સહાય ચૂકવવામાં આવી છે. બીજા રૂ. ૧ લાખની સહાય ચાર્જશીટ વખતે ચૂકવાશે. જ્યારે રૂ. ૫૦ હજારની સહાય આરોપીઓને સજાની સુનાવણી થાય ત્યારે ચૂકવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter