દેશના એકમાત્ર ડિજિટલ ગામ આકોદરાને નોટબંધી નડતી જ નથી

Wednesday 23rd November 2016 07:15 EST
 

હિંમતનગરઃ રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો ઉપર પ્રતિબંધ મૂકવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણય પાછળ કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવાનો હેતુ પણ રહેલો છે. જોકે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના આકોદરા ગામને ચલણી નોટો પર પ્રતિબંધથી કોઈ અસર થઈ નથી. આ ગામ ભારતનું પહેલું અને એકમાત્ર કેશલેસ ઈકોનોમી ધરાવતું ગામ છે. ભારત સરકાર દ્વારા ગામને ડિજિટલ કેશલેસ ગામ તરીકેનો એવોર્ડ પણ અપાયો છે.
ગામમાં દૂધ મંડળી સહિતના તમામ આર્થિક વ્યવહારો રોકડાને બદલે ઈ-ટ્રાન્ઝેકશનથી થાય છે. કરિયાણા કે કપડાંની દુકાન, સલૂનમાં પણ કેશલેશ ડિજિટલ વ્યવહારો થતાં ગામના લોકોને કરન્સીની જરૂર જ પડતી નથી.
૮મી નવેમ્બરે રૂ. પ૦૦ અને ૧૦૦૦ની ભારતીય ચલણી નોટો રદ થયા પછી રદ થયેલી નોટો બદલાવવા કે જમા કરવવા માટે દેશભરની બેંકોમાં ભારે ભીડ જામે છે ત્યારે આ ગામના લોકો નોટ બદલવા કે જમા કરવવાની માથાકૂટમાંથી મુક્ત છે.
એસએમએસ સેવા
ઈ ટ્રાન્ઝેક્શન માટે મોબાઈલથી એસએમએસ જ કરવાનો હોય છે. જે ગામની નિરક્ષર મહિલાઓ પણ સરળતાથી કરે છે. ગામના ખેડૂતો પોતાનો પાક ઓનલાઈન વેચે છે અને તેનું પેમેન્ટ પણ તેમના ખાતામાં જમા થઈ જાય છે. તો પુશપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકને દર દસ દિવસમાં કરવામાં આવતું પેમેન્ટ પણ ઓનલાઈન જે તે પશુપાલકના ખાતામાં મંડળી દ્વારા જમા કરવામાં આવતું હોઈ પેમેન્ટ લેવા પણ જવું પડતું નથી. આ ઈ ટ્રાન્ઝેક્શનના કારણે સમયની પણ બચત થઈ જતી હોય છે.
ગામની ગૃહિણીઓનો મત
આ અંગે આ ગામની એક મહિલા શાંતાબહેન પટેલ કહે છે કે, ગામને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ બનાવવામાં આવ્યા પછી રોકડા રૂપિયાની માથાકૂટમાં જ નથી. ગામમાં આવેલી શાકભાજીની દુકાનમાં શાકભાજી લેવા કે કરિયાણાની દુકાનમાંથી કરિયાણું લેવા જવાનું થાય તો ત્યાં જઈને ખરીદી કર્યા પછી જે રૂપિયા થયા હોય તે તેમના ખાતામાં મોબાઈલ એપ્સ કે મેસેજથી ટ્રાન્સફર કરી દેવાય છે. અમારા ગામમાં રોકડા રૂપિયા કે છુટ્ટા રૂપિયા ન હોય તો પણ ચાલી જાય.
વ્યવહારની સુવિધા
કોઈ પણ દુકાનમાંથી તમે ખરીદી કરો તે પછી આ ખરીદી પેટે ચૂકવવાની થતી રકમ અંગે ગ્રાહકે દુકાનદારના ખાતા નંબર સાથે બેંકને એક મેસેજ કરવાનો રહે છે. આ પ્રકારે તમામ વ્યવહાર ચલણની નોટોના ઉપયોગ વિના થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter