ધોરણ ૭ પાસ ગંગાબહેનને દૂધના વ્યવસાય થકી વર્ષે રૂ. ૭૦ લાખની કમાણી

Monday 03rd February 2020 05:43 EST
 
 

પાલનપુર: તાલુકાના સાગ્રોસણા ગામના ધો. ૭ પાસ દૂધના વ્યવસાયી મહિલા ગંગાબહેન લોહાએ વર્ષ ૧૯૯૮માં ૨ ગાય થકી ડેરીના વ્યવસાયની શરૂઆત કરી હતી. અત્યારે ગંગાબહેન પાસે ૧૨૨ ગાય-ભેંસ છે અને દૂધના વ્યવસાય થકી તેઓ વાર્ષિક રૂ. ૭૦ લાખની કમાણી કરે છે.
બે ટાઈમ ૬૫૦ લીટર દૂધ
૪૮ વર્ષીય ગંગાબહેન ગણેશભાઇ લોહા પશુપાલન ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહ્યાં છે. આ અંગે ગંગાબહેન કહે છે કે, પહેલાં મારી પાસે માત્ર ૨ ગાય હતી તેનાથી દૂધના વ્યવસાયની શરૂઆત કરી ત્યારે સમજાયું કે આ વ્યવસાય માફક આવે એવો છે અને તેમાં ફાયદો પણ છે. ધીમે ધીમે બીજા પશુઓની ખરીદી કરતી ગઈ. અત્યારે મારી પાસે ૧૨૨ પશુઓ છે તેમાંથી ૬૦ જેટલા દૂધાળા છે. તેમના થકી રોજ બે વખતનું અંદાજે ૬૫૦ લીટર દૂધ હું ડેરીમાં જમા કરાવું છું. જેમાંથી મહિને રૂ. ૫.૫૦ થી ૬ લાખ આવક મેળવી લેવાય છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ૨.૫૮ લાખ લીટર દૂધ ડેરીમાં જમા કરાવ્યું જેની કુલ રૂ. ૭૦૮૦૯૨૦ આવક થઈ હતી. ડેરીમાં દૂધ જમા કરાવવામાં જિલ્લામાં ગંગાબહેનનો બીજો ક્રમ હતો. આ વ્યવસાયમાં ૬૦થી ૭૦ ટકા ખર્ચ કાઢતાં રૂ. ૨૫ લાખનો નફો ગંગાબહેનને મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગંગાબહેને કહ્યું કે, બનાસડેરી દ્વારા સારો એવો સહયોગ મળતાં મને આટલી આવક થઈ છે. ગંગાબહેન કહે છે કે, મારી પાસે પશુઓની સંખ્યા વધારે હોવાથી હું ટેકનોલોજીનો સહારો લેતાં શીખી છું. ગાયોને દોહવા માટે ગંગાબહેન મિલ્કીંગ મશીન પાર્લરનો ઉપયોગ કરે છે.
મુખ્ય પ્રધાન દ્વારા સન્માન
વર્ષ ૨૦૧૦-૧૧માં ૧.૫૨ લાખ લીટર દૂધ ડેરીમાં ભરાવી રૂ. ૩૫૭૦૦૭૪ આવક મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવતાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગાબહેનને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter