ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ જીવનયાત્રા પૂર્ણ કરીને 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીએ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યાં છે.
24મી નવેમ્બર 1935ના રોજ જન્મેલાં રમીલાબેન બાળપણથી જ અનોખાં હતાં. બાળવયે જ પ્રભુપ્રાપ્તિની ઝંખના તેમના હૃદયમાં પ્રજ્જવલતી હતી. કિશોરવયે શ્રી અરવિંદ આશ્રમમાં અંતેવાસી બનેલા વરિષ્ઠ સાધકો પુનમચંદ, ચંપકલાલજી, કેસરીમલ વગેરે પાટણના જ રહેવાસી હોવાથી અને પારિવારિક સંબંધો હોવાથી એમને પણ શ્રી અરવિંદ અને શ્રી માતાજીનો કિશોરવયે જ પરિચય થયો અને યોગિનીકુમારી પુસ્તકનો ખૂબ જ પ્રભાવ પડયો અને જીવનની દિશા નક્કી કરી લીધી કે સાંસારિક જીવન જીવવું જ નથી.
બી.એ., બી.એડ. સુધી અભ્યાસ કર્યો દરમિયાન ગાંધીજીના જીવનદર્શનનો પણ પ્રભાવ પડયો. વિનોબાજીના ભૂદાનયજ્ઞમાં પણ જોડાયાં. વિનોબાજી સાથે રહેવાનું પણ થયું. એમના વિચારોથી ખૂબ પ્રભાવિત થઈને એમણે યુવાનવયે જ જીવનવ્રતીનું વ્રત લીધું, જે જીવનના છેલ્લા શ્વાસ સુધી નિભાવ્યું. જીવનમાં અનેક સાધુસંતોનું પણ સાંનિધ્ય મળ્યું. એમનું જીવન વિકસતું ગયું. જીવનધ્યેયની દિશામાં તેઓ સતત ગતિ કરતાં રહ્યાં. દાસાનુદાસ, વિમલાભાઈ, ચિદાનંદ સ્વામી, ડો. શિવાનંદ અધ્વર્યુ... આ બધાના નિકટ પરિચયથી એમના સેવાકાર્યની સાથે સાથે આંતરવિકાસની યાત્રા પણ અવિરત ચાલતી રહી.
શિક્ષણ પૂરું કર્યા બાદ ભાનુવિજયજી મહારાજ સાથે સાગોડિયા (પાટણ)માં શિક્ષણકાર્ય શરૂ કર્યું. સર્વ મંગલમ આશ્રમની સ્થાપના કરી. 1974માં સિધ્ધપુરના ગણેશપુરા ગામમાં યોગાંજલિ કેળવણી મંડળની સ્થાપના કરી ગરીબ, અનાથ, વંચિત બાળકો માટે નિ:શુલ્ક છાત્રાલય અને શાળા શરૂ કરી, મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. ગરીબ બહેનોને રોજગારી મળે તે માટે ગૃહઉદ્યોગ જેવા કે મસાલા બનાવવા, ગાલીચાનું વણાટકામ, સીવણ વગેરેનું શિક્ષણ આપ્યું. સાથે સાથે સમગ્ર ગ્રામ્ય સમાજનો ઉધ્ધાર થાય તે માટે ગણેશપુરા ગામના સરપંચપદે રહીને તેમણે સમગ્ર ગામના વિકાસના પણ અનેક કાર્યો કર્યા.
આ સેવાકાર્યોનો એમનો માર્ગ અનેક મુશ્કેલીઓ અને અવરોધોથી ભરેલો હતો. તીવ્ર નાણાં ભીડ, સમાજની અવગણના, સમાજ વિકાસના એમના કાર્યો અંગે કરાતી ટીકાઓ, સરકારની મંજૂરી માટે અવિરત ગાંધીનગર એસ.ટી. બસમાં મુસાફરી - આ બધાંની વચ્ચે પણ એમની અડગ સંકલ્પશક્તિ. અવિરત પુરુષાર્થ અને ઈશ્વર કૃપામાં શ્રદ્ધાને પરિણામે મુશ્કેલીઓ એમના સેવાકાર્યોને અટકાવી શકી નહી. યોગાંજલિનો વિકાસ દિન પ્રતિદિન થતો રહ્યો. એમને પછી તો અનેક માન સન્માન મળ્યાં. ગાંધીમિત્ર સન્માન, મહેસાણા - પાટણ જિલ્લાના બેસ્ટ વુમન, ધરતી રત્ન , માનવ શાલીન રત્ન વગેરે અનેક એવોર્ડ એમને મળ્યા.
સુ.શ્રી રમીલાબહેને 25 વર્ષ પહેલાં એમની પાસે આવેલી સેવા અને સાધનાને વરેલી કુ. જિજ્ઞાબહેન દવેનું હીર પારખી લીધું અને રમીલાબહેનના તપોમય શુધ્ધ પવિત્ર જીવનથી પ્રભાવિત થઈને જિજ્ઞાબહેન પોતાની લેબોરેટરી છોડીને - યોગાંજલિ આશ્રમમાં હંમેશા માટે તેમની નિશ્રામાં આવી ગયાં. તેમણે જિજ્ઞાબહેનને સંપૂર્ણપણે તૈયાર કરી છેલ્લા દશ વર્ષથી સંસ્થાનો વહીવટ સોંપી દીધો. રમીલાબહેનના માર્ગદર્શનમાં જિજ્ઞાબહેને યોગાંજલિ આશ્રમનો ખૂબ ઝડપી વિકાસ કર્યો. યોગ્ય હાથોમાં પોતે સર્જેલી સંસ્થાને સોંપીને પછી જ તેમણે દેહ છોડવાનો સંકલ્પ કર્યો. પહેલાં બાહ્ય પ્રવૃત્તિઓમાંથી પોતાની જાતને પાછી ખેંચી લીધી અને પછી આંતરિક રીતે પોતાની ચેતનાને આત્મામાં લીન કરતાં રહ્યાં એ પ્રક્રિયા પુરી થતાં શરીરને છોડી દીધું.
ભલે તેમણે જર્જરિત થઈ ગયેલાં નશ્વર દેહનો ત્યાગ કર્યો પરંતુ તેમની દિવ્યચેતના યોગાંજલિ આશ્રમને સદૈવ પ્રેરણા. પ્રોત્સાહન અને પ્રકાશ આપતી રહેશે.
આવા દિવ્ય આત્માના ચરણોમાં શતશ: વંદન. (સંપર્કઃ જિજ્ઞાબહેન દવે - 98986 02325)


