નેટવર્ક ન મળતાં શિક્ષકો હાજરી પૂરવા ડુંગરે ચઢે છે

Wednesday 12th December 2018 07:10 EST
 
 

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ૧૧ ક્લસ્ટરની ૪૧ શાળાઓમાં કોઈ પણ પ્રકારનું ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી. જેને કારણે શિક્ષકોને ઓનલાઇન હાજરી અપલોડ કરવા ડુંગરે-ડુંગરે ફરવું પડે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી ભરવામાં સાબરકાંઠા જિલ્લો ૯૬.૨૨ ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે છે. તા. ૩૦-૧૧-૨૦૧૮ની એટેન્ડન્સ સમરીમાં ૩.૭૮ ટકા પેન્ડિંગ બતાવે છે. સમગ્ર જિલ્લામાં પોશીના તાલુકો અને ખેડબ્રહ્મા તાલુકાનો કેટલોક અંતરિયાળ વિસ્તાર ભૌગોલિક સ્થિતિને કારણે ઇન્ટરનેટની સુવિધા ધરાવતો નથી. ચારેક વર્ષ અગાઉ તત્કાલીન ડીડીઓ નાગરાજન ખેડબ્રહ્મા તાલુકાને વાઇ-ફાઇ જાહેર કરી એવોર્ડ પણ લઈ આવ્યા હતા. તે બાબત પણ તપાસનો વિષય બની રહે તેમ છે. પોશીના તાલુકાની કુલ ૧૧૩ શાળાઓ પૈકી ૪૧ શાળાઓ કે ગામમાં કોઈ પણ કંપનીનું નેટવર્ક ઉપલબ્ધ નથી.
નેટવર્ક જ ન મળતા શાળાઓના આચાર્યોને પ્રતિદિન પાંચ-દસ કિ.મી. જેટલો રઝળપાટ કરવો પડે છે અને જે ડુંગરે ઇન્ટરનેટ મળે ત્યાંથી ડેટા અપલોડ કરવો પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter