પાકિસ્તાનને વધુ એક ફટકોઃ મહેસાણાના ઊંઝાથી જતી ચીજો મોંઘીદાટ

Wednesday 21st August 2019 09:35 EDT
 

ગાંધીનગરઃ પાકિસ્તાને ભારત સાથે વેપાર ઉપર ભલે પ્રતિબંધ મૂક્યો પણ ત્યાંના નાગરિકોને ભારતીય મરી-મસાલા વગર એક દિવસ પણ ચાલે તેમ નથી. ત્યાંની સરકારે ભારતની ચીજવસ્તુઓ માટે કરાચી પોર્ટ અને વાઘા બોર્ડર બંધ કરતા પાકિસ્તાનમાં મોંઘવારી વધશે એ નિશ્ચિત છે. એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ- ઊંઝાથી નિકાસ થતા ધાણાં-જીરું, વરિયાળી જેવો મસાલો પણ પાકિસ્તાનમાં મોંઘો થઈ પડશે.
ગુજરાતમાંથી વર્ષે રૂ. ૫૦૦ કરોડથી વધારે મૂલ્યના ધાણાં, જીરું, હળદળ, વરિયાળી, સુવા, અજમો જેવા મસાલાઓ પાકિસ્તાનમાં નિકાસ થાય છે. ઈસબગુલનુ વોલ્યુમ તો તેથી પણ વધારે હોવાનો અંદાજ છે. ઊંઝા- સિદ્ધપુરના વેપારીઓ દાયકાઓથી કરાચી પોર્ટ અને વાઘા બોર્ડરથી પાકિસ્તાનના આયાતકારો સાથે વેપાર કરી રહ્યા છે.
આ પ્રતિબંધથી પાકિસ્તાન સ્થિત આયાતકારોને વાયા દુબઈ, અફઘાનિસ્તાનના પોર્ટથી વેપાર કરવો પડશે. જેના કારણે ડયૂટી, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા તેનું ભારણ પણ છેવટે પાકિસ્તાનના નાગરિકો ઉપર જતા ત્યાં મોંઘવારી વધશે. ઈન્ટરનેશનલ ટ્રેડિંગ સાથે સંકળાયેલા ઊંઝા માર્કેટયાર્ડના વેપારી જિતેન્દ્ર જૈને કહ્યું હતું કે, ગલ્ફ, આફ્રિકા, ઈસ્ટના દેશો સહિત આપણી આસપાસના તમામ દેશોને ગુજરાતનું જીરું જ સસ્તું પડે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં તૂર્કી-સીરિયાના જીરાંનો ભાવ પ્રતિ ટને ૩૬૦૦ ડોલર છે. જેની સામે ઊંઝાના જીરાનો ભાવ ૨૪૦૦ ડોલર છે. પાકિસ્તાને પ્રતિબંધ મૂક્યા પછી પણ ત્યાંના વેપારીઓ વાયા દુબઈ કે અફઘાનિસ્તાનથી ભારતનં જીરૂ આયાત કરે તો પણ તૂર્કી-સીરિયા કરતા ઓછી પડતર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter